આ આર્ટિકલમાં આપણે અંત:સ્ત્રાવી ગ્રંથિઓ અને અંત:સ્ત્રાવ, અંત:સ્ત્રાવી ગ્રંથિની રચના અને કાર્યો વિશે જાણીશું. 

ગ્રંથિઓ, જે નલિકાવિહીન છે અને જેની નીપજોનું વહન સીધેસીધું રૂધિરમાં કરે છે તેને અંત:સ્ત્રાવી ગ્રંથિઓ કહે છે. એટલે અંત:સ્ત્રાવી ગ્રંથિ એ નલિકાવિહીન ગ્રંથિ કહેવાય છે. અંત:સ્ત્રાવો એક ભાગમાંથી ઉત્પન્ન થાય છે અને શરીરના બીજા ભાગ પર કાર્ય કરે છે. 

મનુષ્યમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓ 

મનુષ્યનું અંત:સ્ત્રાવી તંત્ર વિવિધ અંત:સ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું છે, જે શરીરનાં વિવિધ ભાગોમાં ગોઠવાયેલું છે. શરીરની મહત્વની અંત:સ્ત્રાવી ગ્રંથિઓ  હાઈપોથેલેમસ, પિટ્યુટરી, થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ, અંડપિંડ છે.  

હાઈપોથેલેમસ 

હાઈપોથેલેમસ એ અગ્રમગજનો ભાગ છે, જે થેલેમસની નીચે અને પિટ્યુટરી ગ્રંથિની ઉપર આવેલ છે. તે ઘણા ચેતા:સ્ત્રાવી કોષો ધરાવે છે. તે રીલીઝીંગ હોર્મોનને ઉત્પન્ન કરે છે અને અગ્રપિટ્યુટરી ગ્રંથિને ઉતેજિત કરી તેમાંથી અ નિશ્ચિત અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરાવે છે. 

રિલિઝીંગ હોર્મોન અને તેમની અગ્ર પિટ્યુટરી ગ્રંથિ પરની અસરો 

1) TSH રિલિઝીંગ હોર્મોન : પિટ્યુટરીમાથી થાઈરોઈડ સ્ટિમ્યુલેટિંગ અંત:સ્ત્રાવ મુક્ત કરે છે. 
2) GH રિલિઝીંગ હોર્મોન : પિટ્યુટરીમાથી ગ્રોથ હોર્મોન મુક્ત કરે છે. 
3) ACTH રિલિઝીંગ હોર્મોન : એડ્રિનો કોર્ટિકો ટ્રોપિક હોર્મોન મુક્ત કરે છે. 
4) ગેનાડોટ્રોપિક રિલિઝીંગ હોર્મોન : પિટ્યુટરી ગ્રંથિ માના ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનને અને લ્યુટિનાઈઝીંગ અંત:સ્ત્રાવને મુક્ત કરે છે. 

1) બે અવરોધક અંત:સ્ત્રાવ પણ હાઈપોથેલેમસમાથી મુક્ત થાય છે. 
2) ગ્રોથ અંત:સ્ત્રાવ અવરોધકારક ગ્રોથ અંત:સ્ત્રાવ ને અવરોધે છે. 

પ્રોલેક્ટીન અવરોધકારક ને પિટ્યુટરીમાથી સ્ત્રાવ થતો અટકાવે છે.

પિટ્યુટરી ગ્રંથિ 

તે પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખાય છે, જે હાઈપોથેલેમસની તરત જ નીચે આવેલી છે. પિટ્યુટરી ગ્રંથિ ત્રણ ખંડોમાં વિભાજિત છે.
  1. અગ્ર ખંડ
  2. મધ્ય ખંડ
  3. પશ્ચ ખંડ
અગ્ર પિટ્યુટરી ખંડ TSH, ACTH, FSH, LH, GH અને પ્રોલેક્ટીનનો સ્ત્રાવ કરે છે. 
મધ્ય પિટ્યુટરી મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ અંત:સ્ત્રાવ નો સ્ત્રાવ કરે છે. 
પશ્ચ પિટ્યુટરી ખંડ બે પ્રકારના હોર્મોન્સનો સ્ત્રાવ કરે છે. 
  1. વાસોપ્રેસિન
  2. ઓક્સિટોસીન

વાસોપ્રેસીન પાણીના પુનઃ શોષણને ઉતેજે છે અને પેશાબ દ્વારા પાણીનાં વ્યયનું નિયંત્રણ કરે છે. તે વેસોકન્સ્ટ્રીક્ટરની જેમ કાર્ય કરી ધમનીના રૂધિરનું દબાણ વધારે છે. સ્ત્રીમાં ઓક્સિટોસીન બાળકના જન્મ વખતે ગર્ભાશયના સ્નાયુઓને સંકોચે છે અને સ્તનગ્રંથિ માથી દૂધનો સ્ત્રાવ કરે છે. 

સ્વાદુપિંડ 

સ્વાદુપિંડ શરીરમાં જઠરની તરત નીચું આવેલું છે. સ્વાદુપિંડ એ ઈન્સ્યુલીન અંત:સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. જે રૂધિરમાં શર્કરાનું પ્રમાણ નીચું લાવે છે. 

શરીરમાં ઈન્સ્યુલીનની ઊણપ એ ડાયાબિટીસનું કારણ છે. ડાયાબિટીસને કારણે રૂધિરમાં શર્કરાનું અને મૂત્રમાં વધુ માત્રામાં શર્કરાનો જથ્થો હોય છે. રૂધિરમાં વધતા શર્કરાના પ્રમાણને કારણે વ્યક્તિમાં અનેક હાનિકારક અસરો થાય છે. ડાયાબિટીસવાળા વ્યક્તિએ ઓછા પ્રમાણમાં શર્કરા લેવી જોઈએ. આહાર-નિયંત્રણ, શારીરિક વ્યાયામ કરવાથી શરીરનું વજન ઘટાડવાથી, નિયમિતપણે દવાઓ લેવાથી અને ઈન્સ્યુલીન, ઈન્જેક્શન લેવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં લાવી શકાય છે. 

થાઈરોઈડ ગ્રંથિ 

થાઈરોઈડ ગ્રંથિ આપણા શરીરની શ્વાસનલિકા સાથે જોડાયેલી છે. થાઈરોઈડ ગ્રંથિ થાઈરોક્સિન અંત:સ્ત્રાવ સ્ત્રાવ કરે છે, જે આયોડિનયુકત હોય છે. થાઈરોક્સિન અંત:સ્ત્રાવ કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયમન કરે છે. 

આપણા ખોરાકમાં આયોડિનની ઊણપને કાણે થાઈરોક્સિન ખામી સર્જાય છે. આ રીતે આપણા આહારમાં આયોડિનની ખામીને કારણે હાઈપોથાઈરોડિસમ થાય છે, જેના કારણે થાઈરોઈડ ગ્રંથિ વિસ્તૃત થાય છે. જે ગોઈટર નામના રોગમાં પરિણમે છે. આયોડાઈઝડ મીઠું યોગ્ય માત્રામાં આયોડિનનુ પ્રમાણ પૂરૂં પાડે છે, જે થાઈરોઈડ ગ્રંથિ યોગ્ય માત્રામાં થાઈરોક્સિન બનાવે છે. થાઈરોઈડગ્રંથિની હાઈપર થાઈરોડિસમની સ્થિતિ એ એકઝોથેલમિક ગોઈટર તરીકે ઓળખાય છે. 

પેરાથાઈરોઈડ ગ્રંથિ 

પેરાથાઈરોઈડ ગ્રંથિઓ ચાર નાની ગ્રંથિઓ છે, જે થાઈરોઈડ ગ્રંથિમાં ખૂપેલી છે. આ ગ્રંથમાંથી સ્ત્રાવતા અંત:સ્ત્રાવને પેરાથોર્મોન અંત:સ્ત્રાવ તરીકે ઓળખાય છે, જે રૂધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરે છે. 

એડ્રિનલ ગ્રંથિ 

એડ્રિનલ ગ્રંથિઓ બે છે, જે નાની શંકુ આકારની અને બે સ્પષ્ટ વિસ્તારોની બનેલી છે. 
  1. બહારનો બાહ્યક
  2. અંદરનો મજ્જક
એડ્રિનલ બાહ્યક ત્રણ પ્રકારનાં સ્ટેરોરોઈડ, અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. મિનરલો કોર્ટીકોઈડ આપણા શરીરમાં પાણી તથા Na+, Cl, K+ જેવા આયનોનું નિયમન કરે છે. ગ્લુકો કોર્ટીકોઈડ એ કાર્બોદિત, પ્રોટીન અને શરીરની ચયાપચયને ઉતેજે છે. જયારે જાતીય કોર્ટીકોઈડ એ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. 

એડ્રિનલ મજજક એ એડ્રેનાલિન અને નોન-એડ્રેનાલિન સ્ત્રાવ કરે છે. એડ્રેનાલિન અંત:સ્ત્રાવ લડો યા ભાગો તરીકે ઓળખાય છે. તેથી એડ્રિનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિઓ તરીકે પણ ઓળખાય છે. 

શુક્રપિંડ 

શુક્રપિંડ એ નરજાતીય અંત:સ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ટેસ્ટોસ્ટેરોનનું મુખ્ય કાર્ય જાતિય અંગોનો વિકાસ તેમજ ગૌણ જાતિય લક્ષણો જેવા કે, ઘેરો અવાજ, દાઢી અને મુછનું નિયંત્રણ કરે છે. શુક્રપિંડ એ શુક્રકોષનું પણ નિર્માણ કરે છે. 

અંડપિંડ 

ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તરીકે ઓળખાતા બે માદા જાતિય અંત:સ્ત્રાવો ઉતપન્ન કરે છે. 

ઇસ્ટ્રોજનનું મુખ્ય કાર્ય સ્ત્રીના જાતિય અંગો અને ગૌણ જાતિય લક્ષણો જેવા કે, તીણો અવાજ, મુલાયમ ત્વચા, સ્તનગ્રંથિ વગેરેના વિકાસનું નિયંત્રણ કરે છે. પ્રોજેસ્ટેરોનનું મુખ્ય કાર્ય ઋતુસ્રાવ દરમિયાન ગર્ભાશય પર થતાં ફેરફાર પર નિયંત્રણ રાખવાનું પણ છે. તે અંડપિંડમાથી અંડકોષોના નિર્માણનું નિયમન કરે છે.