સ્વાતંત્ર્ય-ચળવળો | ચંપારણ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો આંદોલન

સ્વતંત્ર્ય-ચળવળમાં ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, અસહકાર આંદોલન, દાંડીકૂચ, હિંદ છોડો આંદોલન વિશે જાણીશું. 

ચંપારણ સત્યાગ્રહ 

  • હિમાચલની તળેટીમાં બિહારમાં ચંપારણ આવેલ છે. ૧૯મી સદીની શરૂઆતથી જ અહીં યુરોપિયનોએ ગળીના બગીચા અને કારખાનાં સ્થાપ્યાં હતાં. 
  • અહીં ખેડૂતોને જમીનના 3/20 ભાગ પર ફરજિયાત ગળીની  ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી. આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. 
  • ચંપારણના ખેડૂતો પર વધુ મહેસૂલ અને વેરા નાખવામાં આવતા જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયેલ. 
  • ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લના આગ્રહથી ગાંધીજી મોતિહારી આવ્યા. ત્યારે તેમની હાજરી જનશાંતિ માટે ખતરારૂપ ગણી તેમને તાત્કાલિક ચંપારણ છોડી જવાનો મેજિસ્ટ્રેટ આદેશ આપ્યો પરંતુ ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. 
  • અંતે ગાંધીજીને ખેડૂતોના પ્રશ્નોને સમજવા પ્રયત્નો કરવાની પરવાનગી મળી. ગાંધીજીનો આ સત્યાગ્રહ સફળ થાયો. 

ખેડા સત્યાગ્રહ 

  • ખેડા જિલ્લામાં ઈ. સ. 1917મા અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો હતો તેમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ માફ કરવાને બદલે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. 
  • પરિણામે ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે લોકોને સત્યાગ્રહ કરવાની ફરજ પડી. આ લડતમાં વલ્લભભાઈ પટેલ નેતા તરીકે ઉભરી આવ્યા. તેમણે વકિલાત છોડી સેવાવ્રત સ્વીકાર્યું. 
  • ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે, "સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવું નથી."
  • મહેસૂલની રકમ ઉઘરાવવા જપ્તી શરૂ કરી. આ સમયે સરકારે જપ્ત કરેલ એક ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર હતો. 
  • ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા પોતાના સાથીદારો સાથે આ પાક કાપી લાવ્યા. સરકારે મોહનલાલને  પકડી 15 દિવસની જેલની સજા કરી. તે છૂટ્યા ત્યારે લોકોએ સ્વાગત કર્યું ગાંધીજીએ તેમને 'ડુંગળી ચોર'નું બિરૂદ આપ્યું. 
  • સત્યાગ્રહમાં અંતે સુખી કુટુંબો મહેસૂલ ભરે તો ગરીબોનું મહેસૂલ નહિ લેવાની શરતે સમાધાન થયું. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ આવી તો લોકોની ત્યાગશક્તિનો પણ પરિચય થયો. 

અસહકાર આંદોલન 

  • ઈ. સ. 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલન  શરૂ કર્યું. આ આંદોલનના મુખ્ય બે પાસાં છે : 
  1. ખંડનાત્મક પાસું
  2. રચનાત્મક પાસું
  • ખંડનાત્મક પાસામાં શાળા, કોલેજ, ધારાસભ્ય, અદાલતનો, વિદેશી માલનો બહિષ્કારનો સમાવેશ થતો. હજારો વિધ્યાર્થીઓએ શાળા-કોલેજો છોડી દીધી. 
  • મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતાં વકીલોએ પોતાની ધીકતી વકિલાત છોડી દીધી અને પોતાનું બાકીનું જીવન દેશસેવામાં સમર્પિત કરી દીધું. 
  • આંદોલનના રચનાત્મક પાસાઓમાં ઘરે-ઘરે રેંટિયો કાંતવા, ખાદી-ઉત્પાદન, દારૂબંધી, હિંદુ-મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. 
  • રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા-કોલેજો શરૂ કરવામાં આવી. જેમાં ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામ્યા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી. 
  • આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્રો જોડી આંદોલન કરવામાં આવેલ. જેમાં આંધ્રપ્રદેશના ગંતુર જીલ્લામાં વન સત્યાગ્રહ અને અસમના ચાના બગીચાના મજુરોના આંદોલનનો સમાવેશ થાય છે. 
  • મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. ઈ. સ. ૧૯૨૨માં જયારે ઉતરપ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. 
  • પોલીસ સ્ટેશનને આગ ચાંપી. જેમાં ૨૨ જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. આ ખબર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકુફ રાખવાની જાહેરાત કરી. 
  • આ સમયે કોગ્રેસમા મોતીલાલ નેહરુ અને ચિતરંજનદાસનુ માનવું હતું કે, પક્ષે ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપી લોકોને વૈકલ્પિક કાર્યક્રમ પૂરો પાડવો જોઈએ. આ વિચારથી સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી. 

દાંડીકૂચ 

  • ઈ. સ. 1930માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાનાં ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એક અધિકાર હતો. 
  • ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે, મીઠાં પર વેરો નાખવો પાપ છે. કારણ કે તે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 
  • 12 માર્ચ 1930નાં રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડીયાત્રાની શરૂઆત કરી. 370 કિમી જેટલી કૂચ કરી અસલાલી, બરેજા, નડિયાદ, આણંદ, રાસ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટા ગામ-શહેરોમા સભા ભરી 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે મીઠું હાથમાં લઈ મીઠાનાં કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ થયો. 

હિંદ છોડો આંદોલન 

  • બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયે સરકારની મુશ્કેલીઓમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. 
  • ઈ. સ. 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન મોકલ્યું. પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો. 
  • 8મી ઓગસ્ટ, 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતીની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 
  • 9મી ઓગસ્ટે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ ઉપરાંત દેશના આગેવાન કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. 
  • ઈ.સ.1943ના અંત સુધીમાં મોટાપાયે સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોએ લડતમાં જાન ગુમાવી. આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે, હવે લાંબા સમય સુધી ભારતનાં લોકોને પરાધીન રાખી શકાશે નહિ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ