ભારત તહેવારોનો દેશ છે જયાં બધા તહેવારો ધૂમધામથી ઊજવાય છે. શ્રાવણ વદ આઠમના વિષ્ણુ ભગવાનના અવતાર માનતા શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. 

જન્માષ્ટમીનો અર્થ 

જન્માષ્ટમીનો તહેવાર હિંદુ ધર્મમાં એક મુખ્ય તહેવાર છે. 
જન્માષ્ટમી એ ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ જેને કૃષ્ણઅષ્ટમી પણ કહેવામાં આવે છે. 

કૃષ્ણનો જન્મ અને માતા-પિતા 

તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું.
'દેવકીનું આઠમું સંતાન કેસનો નાશ કરશે' એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતાં. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને 'ગોકુળઅષ્ટમી' પણ કહેવામાં આવે છે. 

જન્માષ્ટમીની ઊજવણી 

જન્માષ્ટમીનો તહેવાર આખા ભારતમાં ખૂબ ધામધૂમથી અને ઉત્સાહથી ઊજવવામાં આવે છે. લોકો સંપૂર્ણ ભક્તિ, આનંદ અને સમર્પણ સાથે ઉજવે છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. આ દિવસે વ્રત રાખવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભારતના મંદિરોમાં શણગાર કરવામાં આવે છે. અને કૃષ્ણની મુર્તિને શણગારવામાં આવે છે. રાતે ભજનકીર્તન થાય છે. 

રાતના બાર વાગ્યે કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, ઢોલ-નગારા વગાડે છે, કુદે છે, ગુલાલ ઉડાડે છે અને ગાય છે : "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી." પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે. કેટલાક સ્થળે મેળાઓ ભરાય છે. લોકો હોંશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે અને મજા કરે છે. 

મહારાષ્ટ્રમાં, મથુરા અને અનેક જગ્યાએ ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં લોકો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે. આ કાર્યક્રમમાં ઊંચાઈ પર માખણ અથવા દહીં ભરેલી હાંડી લટકાવવામાં આવે છે, આ ઊંચાઈ સુધી પહોંચવા માટે પિરામિડ જેવું માળખું બનાવવામાં આવે છે. જેને તોડવા વાડાને ઈનામ આપવામાં આવે છે. મટકી તોડતી વખતે 'ગોવિંદા આલા રે' જેવાં ગીતો ગાય છે. 

દ્વારકા અને મથુરામાં જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. લોકો કૃષ્ણ ભક્તિમાં ડુબી જાય છે. આ દિવસે બાળકો બાળ કૃષ્ણનો વેશ અપનાવે છે અને ખૂબ જ પ્રેમાળ લાગે છે. જન્માષ્ટમીમાં ઘરે વિવિધ મીઠાઈઓ બનાવવામાં આવે છે.

જન્માષ્ટમીમાં રાસલીલાનું પણ આયોજન કરવામાં આવે છે. 
મંદિરોમાં  કૃષ્ણજન્માષ્ટમીના દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે. આ પ્રસાદને કૃષ્ણ ભગવાનને ચઢાવીને પછી મંદિરમાં આવનારા ભક્તોને આપવામાં આવે છે. 

કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં. તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ 'ગીતા' નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.