ભ્રષ્ટાચાર પર નિબંધ | ભ્રષ્ટાચાર નિબંધ ગુજરાતી | Curruption Essay in Gujarati: આજકાલ એવાં કોઈ દિવસો નથી કે જયારે કોઈ અખબારમાં ભ્રષ્ટાચારના સમાચાર ન હોય. દરરોજ નવાં નાણાકીય કૌભાંડો જાહેર થઈ રહ્યા છે. બેંક કૌભાંડ, સ્ટેમ્પ કૌભાંડ, નકલો નોટનું છાપકામ.... આવા કૌભાંડ હવે જાણીતાં છે.
ભ્રષ્ટાચાર સમાજનું કલંક પર નિબંધ
માનવીના જીવનમાં, તેની મૂળભૂત જરૂરીયાતો ઉપરાંત અન્ય જરૂરિયાતની યાદી દિવસે - દિવસે લાંબી થતી જાય છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે પૈસાની જરૂરિયાત પણ વધતી જાય છે. માણસે વધારે પૈસા કમાવવા માટે કયાં તો મહેનત વધારવી પડે અથવા બુદ્ધિ શક્તિ વધારવી પડે.
આ બન્ને વાતને એક હદ સુધી જ વધારી શકાય છે. દિવસમાં માત્ર 24 કલાક જ છે. તેમાં પણ આરામના, જમવાના જેવા કામ માટે ઓછામાં ઓછાં આઠ કલાકને બાદ કરતાં, કામ માટે માણસને વધારેમાં વધારે 15 થી 16 કલાક જ મળી શકે. આવી જ રીતે, બુદ્ધિ-શક્તિ વધારવા માટે પણ પોતાની કાબેલીયતથી વધારે માત્રામાં, તેવો વધારે શક્ય નથી બનતો. આમ છતાં, જોઈતા પૈસાની વ્યવસ્થા કરવા માટે તેના પ્રયત્નો તે અધુરા નથી મૂકી શકતો.
આ સંજોગોમાં માણસ પાસે બે વિકલ્પ રહે છે. પહેલો વિકલ્પ - જરૂરિયાતોની યાદી ઘટાડવી અને બીજો વિકલ્પ - આવકનું નવું માધ્યમ શોધવું. ઘણા કિસ્સામાં, સાધન અને સતાવાળા માણસો બીજા બીજા વિકલ્પ તરફ અનાયાસે ઢળતાં જાય છે. સતાના પ્રભાવથી અથવા સાધનના બળથી - જરૂરિયાતમંદ, અજ્ઞાનીજન કે આવી શ્રેણીનાં લોકોનાં કામનાં બદલામાં, તેઓ કાંઈક પ્રકારના વળતરની અપેક્ષાઓને જાહેર કરે છે.
પરસ્પરના કામોને - અપેક્ષિત કામોને પૂર્તિ મળે છે. બન્નેને લાભ થાય છે. આમ છતાં, આ પ્રકારનો વિનિમય, ભ્રષ્ટાચારનું પ્રથમ પગથિયું બની જાય છે. ભ્રષ્ટાચાર પહેલાં માણસના વિચારમાં ઉદ્દભવે છે અને પછી વાણી ને વર્તનમાં તે રૂપાંતરિત થાય છે. માણસની લાચારી હોય, અજ્ઞાનતા હોય કે આવડતનો અભાવ હોય - સંજોગોથી ત્રસ્ત થયેલ વ્યક્તિ ઓછી કનડગત ને ઓછાં સમયનાં વ્યયને ગણતરીમાં મૂકી, સત્તાવાળી કામ કરી આપવાની બદલીમાં થયેલી માંગણીને જલદીથી નકારી નથી શકતી.
નાની ઓફિસથી શરૂ થયેલ, આ પરિસ્થિતિ, ગામ, શહેર, દેશ આખામાં એટલી હદ સુધી ઘર કરી ગઈ છે કે, આ પ્રકારની વિનિમય વૃત્તિને વહેવાર જેવા સંબોધનથી ઓળખાવવામાં આવે છે.
કોઈ પણ કચેરીમાં કામ કરાવવું હોય, શાળા - મહાશાળામાં પ્રવેશ મેળવવો હોય, નોકરી - ધંધા માટે જરૂરી લાયસન્સ મેળવવાનું હોય, નોંધણી કરાવવાની હોય, નિવૃત્તિ સમયનાં મળનારા લાભોની શરૂઆત કરાવવાની હોય - આ પ્રકારની કોઈ પણ કાર્ય હોય, તે જે સરળતાથી ને સમયમર્યાદામાં થવા જોઈએ, તે મહદ્અંશે થતાં નથી.
સામેની વ્યક્તિ, થાકી જાય, હારી જાય, દુઃખી થાય ત્યાં સુધી તે આંટા - ફેરા કરતી રહે, તેમ છતાં, કાર્ય થતું નથી. સંબંધિત કર્મચારી, ઉપરી અથવા સૌ કોઈને રાજી રાખવાથી, અટકેલા કાર્યોમાં ગતિ આવવા માંડે છે, ને તે જલદીથી પૂર્ણ થાય છે. આપ પ્રકારની ભ્રષ્ટ નીતિ - રીતિ સમાજમાં અન્ય બદીને પણ ઉધઈ ની જેમ ફેલાય છે, ને સમાજને વગોવે છે, બગાડે છે, ખોખલો કરે છે.
જેટલી મોટી ઓફિસ, તેટલો વધારે ભ્રષ્ટાચાર! જેટલા મોટા ને અગત્યનાં કાર્યો, તેટલી માંગણીની રકમ વધારે! આવી એક બિન લખેલી ગણતરી સર્વત્ર ફેલાયેલી છે.
કોઈ ક્ષેત્ર, કોઈ ઓફિસ, કોઈ કેન્દ્ર, આ પ્રકારની બીમારીમાંથી બાકાત નથી. શિક્ષા, સજા કરવા માટેના સરકારે અલગ - અલગ કાયદા ઘડ્યા છે. સાદી, સખ્ત, સજા કરવાની જોગવાઈ છે. મોટી રકમથી માંડીને ઘણી મોટી રકમનાં દંડની પણ જોગવાઈ છે. આ બધું છે, તેથી સાથે - સાથે એક આખો વિભાગ ઊભો કર્યો છે. "ANTI CURRUPTION BUREAY" આ વરવું ચિત્ર આપણા દૂષિત સમાજનો અરીસો છે!
અરીસો ક્યારેય, કોઈનું સત્ય છુપાવતો નથી. સુંદરને સુંદર રીતે, કદરૂપતાને કદરૂપતાના રૂપમાં જ તે છતું કરે છે - એ જ પ્રકારે તેનું પ્રતિબિંબ રજૂ કરે છે. અરીસામાંની કૃતિને, પ્રતિબિંબને બદલવું હોય, તો મૂળ કૃતિને જ બદલવી પડે, ઠીક એ રીતે આપણાં આ દૂષિત સમાજની છબી ને સુધારવી હશે, તો સમાજને સુધારવો પડશે.
આ પ્રકારની પહેલ, સમાજના મોભી, સરકાર કે અન્ય સત્તાના કેન્દ્રમાં રહેલ વ્યક્તિ કરે તે આવકાર્ય છે, તેમાં સાથ આપવો એ પણ આવકાર્ય, પરંતુ આ પ્રયાસો સફળ થશે કે કેમ, એ વિશે શંકા રહે છે - કારણ કે પ્રકારનો પ્રયાસ જેનાં માટે થયો છે, તેનો એમાં કેટલો સાથ મળે એ નક્કી નથી હોતું, તેથી તેની સફળતા અંગે પૂર્ણત: હા કે ના કહી શકાય નહિ.
પરંતુ, જો સ્વ થી શરૂ થયેલી આવી ઝુંબેશ, ધીમે ધીમે આગળ વધે, તો સફળતા અંગેની શક્યતા અનેક ગણી વધી જાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, "ચેરિટી બીગિન્સ એટ હોમ". આ કહેવત મુજબ, ચાલો આપણે સૌ પોતાની જાતને ભ્રષ્ટાચાર વિરોધી બનાવીએ. સમાજ આપોઆપ ભ્રષ્ટાચાર વિરોધી બની જશે!!!
આપણા દેશમાંથી ભ્રષ્ટાચારને હટાવવા માટે ભારે પુરૂષાર્થ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર માટે કોઈને તક જ ન મળે એવું તંત્ર ગોઠવવાની આજે તાતી જરૂર છે. હવે ભ્રષ્ટ રાજકારણીઓને દેશના શાસનમાંથી વીણીવીણીને રૂખસદ આપવાનો સમય આવી ગયો છે.
0 ટિપ્પણીઓ