તહેવારોનું મહત્વ: Importance of Festival: આપણા ઉત્સવો અને તહેવારો: આપણો દેશ બિનસાંપ્રદાયિક છે. સર્વધર્મસમ અને સર્વધર્મમમ ની ભાવના આપણામાં વણાયેલી છે. આથી વિવિધ ધર્મના તહેવારોને ઉત્સવો આપણે મનભરી ઊજવીએ છીએ.
તહેવારોનું મહત્વ ગુજરાતી નિબંધ
તહેવારો ઊજવવાથી જુદી જુદી કોમના લોકો એક થાય છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, સબ હૈ ભાઈ ભાઈ ના નાતે આપણે સૌ આપણા ધર્મમાં આવતાં તહેવારો ઊજવીએ છીએ. તહેવારો ત્રણ પ્રકારનાં છે : ૧) સામાજિક તહેવાર, ૨) ધાર્મિક તહેવાર, ૩) રાષ્ટ્રીય તહેવાર. આમાં કેટલાક એવા છે કે જે સામાજિક અને ધાર્મિક બંને રીતે ઊજવવામાં આવે છે. રોજિંદા જીવનના દુઃખ, મુશ્કેલીઓ અને ઘટમાળથી આ તહેવારો આપણને આનંદ આપે છે.
વર્ષના ૩૬૫ દિવસમાંથી એવો કોઈ મહિનો છે નહિ કે જેમાં તહેવાર કે ઉત્સવ આવતો નહિ હોય. તહેવારોની શુભ શરૂઆત દિવાળીથી જોઈએ તો પ્રકાશનું પર્વ, આંગણામાં વિવિધ રંગોળી, બારણે તોરણો, ગૃહસુશોભન અને વહેલી સવારથી મોડી રાત સુધી ફૂટતાં ફટાકડા તેમજ બાળકથી વૃદ્ધ સુધી દરેકના ચહેરા પર આનંદની લહેરખીઓ, વાઘબારસથી લાભપાંચમ સુધીમાં આપણે ગાય-વાછરડાની પૂજા, ધનની પૂજા, ચોપડા પૂજન, ભાઈબીજ, એકબીજાના ઘરે જઈ શુભેચ્છાઓ પાઠવતાં હોઈએ છીએ.
જોકે અત્યારે દિવાળીના તહેવારમાં પ્રવાસનું મહત્વ વધી ગયું છે. કારતક સુદ એકાદશી એટલે દેવઊઠી એકાદશી ધાર્મિક કાર્યો માટેનો હવે પછીનો શુભ સમય માનવામાં આવે છે કારતક સુદ પૂનમે દેવદિવાળી તેમજ ગુરૂનાનક જયંતિ ઊજવવામાં આવે છે. આ દિવસે શીખ લોકો ગુરુદ્વારામાં પ્રાર્થના કરે છે.
૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિએ ગુજરાતનાં મોટા શહેરમાં પતંગ ઉડાડવા સાથે દાન કરવાનો મહિમા છે. દોરામાં સુરતી માંજો પ્રખ્યાત છે. સુરતી ઊંધિયું ને સેવ-પીંક બંને માટે જાણીતું છે. તલસાંકળી - બોરનું દાન આપવામાં આવે છે. મહા મહિનામાં આવતી મહા શિવરાત્રિએ લોકો ભાંગ પીએ છે. તેમજ શિવની પુજા -આરાધના કરવામાં આવે છે.
ફાગણ સુદ પૂનમ મહા સુદ પાંચમ વસંતપંચમીએ ઉત્સવ ઊજવવામાં આવે છે. ફાગણમાં આવતો હોળીનો ઉત્સવ એ માત્ર હિન્દુ પર્વ ન રહેતા કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં વિસ્તારોમાં ઊજવાય છે.
ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે ચેટીચંદ અને મહારાષ્ટ્રમાં ગુડી પડવો બંને ઊજવાય છે. સિંધી સમાજમાં ચેટીચંદના દિવસે ઝુલેલાલના સરઘસો નીકળે છે. સિંધીભાઈઓ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. ચૈત્રમાં લીમડાનો કડવો રસ પીવાથી આખું વર્ષ આરોગ્ય સારું રહે છે.
અષાઢ માસમાં ગુરૂપૂર્ણિમા, રથયાત્રા અને દેવપોઢી એકાદશીના તહેવારો આવે છે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂના પૂજનનો મહિમા છે. રથયાત્રા એ મૂળ જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળતી હવે તો અમદાવાદ, સુરત જેવા શહેરો-ગામડામા પણ રથયાત્રા કાઢવામાં આવે છે. તહેવારો અને ઉત્સવોનો મહિનો એટલે શ્રાવણ માસ. નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળા સાતમ, રક્ષાબંધન, આરાધનાનો મહિનો.
નાગપાંચમનાં દિવસે બહેનો નાગદેવતાની પૂજા કરે છે. તેમને દુધ ધરાવે છે. રાંધણછઠ્ઠના દિવસે આખો દિવસ અવનવી વાનગી બનાવી બીજા દિવસે શીતળા સાતમે ઠંડું ખાવાનો મહિમા છે.
રક્ષાબંધને નારિયેળી પુનમ તરીકે પણ ઊજવવામાં આવે છે. બ્રાહ્મણો સમૂહમાં વિધિપૂર્વક જનોઈ બદલે છે. સાગરપુત્રો સાગરને શ્રીફળ ધરાવી પુજન કરે છે. જોકે સૂતરના તાંતણાના પ્રતિકરૂપે બંધાતી રાખડી રક્ષા બદલાતા સમય સાથે રંગીનદોરી, મણકા, ચાંદી અને સોનાના તાર સુધી પરિવર્તન પામી છે.
જૈનધર્મમાં પાંચ પ્રતિક્રમણોમાંનું છેલ્લું પ્રતિક્રમણો એટલે સંવત્સરી. આ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી પર્યુષણ પર્વ તરીકે ઊજવવામાં આવે છે. પર્વના આખરી દિવસે જૈનો એકબીજાને મિચ્છામી દુક્કડમ કહે છે. પોતાના મન, વચન, કર્મથી સામેવાળાને કોઈ પણ રીતે દુ:ખ પહોંચે તે બદલ ક્ષમા માંગે છે. દિગંબર પંથના જૈનો ભાદરવામાં પાંચમથી ચૌદશ સુધી પર્યુષણ ટર્વ ઊજવે છે.
કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતાં આપણે મંગલમૂર્તિ ગણેશની પૂજા કરીએ છીએ. ગણેશોત્સવ ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ ચૌદશ સુધી ઊજવવામાં આવે છે. ગણેશની સ્થાપનાથી માંડીને વિસર્જન સુધીના દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત વગેરે રાખવામાં આવે છે. ધાર્મિકતાના નામે ઉજવાતો ગણેશોત્સવ આજે ઝાકઝમાળ, ઘોંઘાટ વધારતો માત્ર મનોરંજનનો ઉત્સવ બની ગયો છે. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી.
આસો મહિનો એટલે નવરાત્રિનો તહેવાર અત્યારે સાર્વજનિક ઉત્સવરૂપે ઊજવાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, બોમ્બે જેવાં મોટા શહેરોમાં તો નવરાત્રિ નવરાત નાના મોટા આયોજન સાથે ગરબા, દાંડિયા રાસ, દોઢિયા લઈ યુવક-યુવતીઓ ગરબે રમે છે.
ધાર્મિક તહેવારોની સાથે આપણે અન્ય તહેવારો પણ ઊજવીએ છીએ. જેમ કે ૧૪મી નવેમ્બરે બાળદિન, જવાહરલાલ નહેરુનો જન્મદિન, ૨૫મી ડિસેમ્બરે નાતાલ, ૧૪મી એપ્રિલ આંબેડકર જયંતિ ૨ ઓક્ટોબર ગાંધી જયંતિ, ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન.
ઈદમિલાદ, રમજાન ઈદ, મહોરમમા મુસલમાન ભાઈઓ-બહેનો વિવિધ રીતે ઊજવે છે. રમજાન માસમાં મુસ્લિમો રોજા રાખે છે. ઈદની નમાજ બાદ ઈદ મુબારક એકબીજાને કહે છે. મહોરમના દિવસે તાજિયા કાઢવામાં આવે છે.
બે રાષ્ટ્રીય મહાપર્વો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે કેટલીક શાળાઓમાં ગીતોની હરિફાઈ રાખવામાં આવે છે. આપણા દેશમાં રહેતા વિવિધ ધર્મનાં લોકો પોતાનો તહેવાર ખૂબ આનંદ ઉલ્લાસથી મનાવે છે. આ તહેવારોમાં અન્ય ધર્મનાં લોકો પણ ભાગ લે છે. ઉત્સવો પાછળ એકબીજાની સાથે ભળવાની સામૂહિક ભાવના રહેલી છે.
આજે આપણે કેટલાક તહેવારો ને ઉત્સવોમાં ધાર્મિક-સામાજિક ભાવનાઓની જગ્યાએ દંભ-અનિતી જોઈએ છીએ. તહેવારો ઉત્સવોનું માહાત્મ્ય પાછું લાવવા હવે સરકાર જે શાળા કક્ષાએ ઉજવણી કરવાની વાત કરે છે તે જોતાં લાગે છે કે આપણી ઉત્સવો પ્રત્યેની ભાવના વધુ જાગૃત બનશે.

0 ટિપ્પણીઓ