એસિડ વર્ષા એટલે શું? એસિડ વર્ષા: આજનાં સમયમાં વાહનોનો ઉપયોગ વધુને વધુ થતો જાય છે જેનાં લીધે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેનાથી એસિડ વર્ષા પણ વધુ થવાની શક્યતા હોય છે. આ આર્ટિકલમાં એસિડ વર્ષા એટલે શું? તેના માટે જવાબદાર વાયુઓ વિશે જાણીશું.
એસિડ રેઈન એટલે શું?
સામાન્ય રીતે પાણીની એસિડિક્તાનું પ્રમાણ pH માં માપવામાં આવે છે. શુદ્ધ વરસાદની pH 5.6 હોય છે. પરંતુ વરસાદના પાણીની pH જ્યારે 5.6 થી ઘટી જાય ત્યારે તેવા વરસાદને એસિડ રેઈન કહે છે.
વાસ્તવમાં એસિડ રેઈનમાં સલ્ફ્યુરિક, સલ્ફ્યુરિક, નાઈટ્રસ અને નાઈટ્રિક એસિડ ઓગળેલા હોય છે, જેને લીધે વરસાદના પાણીની pH ઘટી જાય છે. એસિડ રેઈનમાં સામાન્ય રીતે સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ 60-70% અને નાઈટ્રિક એસિડનું પ્રમાણ 30-40% હોય છે.
એસિડ રેઈન એટલે એવો વરસાદ કે જેમાં સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રિક એસિડના વધારે પ્રમાણને લીધે તેની pH 5.6 કરતાં ઓછી હોય છે.
એસિડ રેઈનની pH 4 કરતાં ઓછી હોય ત્યારે તે સજીવસૃષ્ટિ માટે હાનિકારક બની જાય છે. અમેરિકામાં અને અન્ય યુરોપિયન દેશોમાં એસિડ રેઈનને લેક કીલર કહેવામાં આવે છે.
એસિડ રેઈન થવાનાં કારણો
- એસિડ રેઈન થવાનું મુખ્ય કારણ વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઈટ્રોજન ડાયોક્સાઇડ, ક્લોરિન વાયુઓનું વધતું જતું પ્રમાણ છે.
- ઔદ્યોગિકીકરણને કારણે વાતાવરણમાં પ્રદૂષણનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. મનુષ્ય દ્રારા ઉપયોગમાં લેવાતા અશ્મિબળતણમાં સલ્ફર અને નાઈટ્રોજનનું પ્રમાણ ઊંચું હોય છે.
- ખાસ કરીને કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેના દહન થઈ સલ્ફરના ઓક્સાઈડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે, જેથી વાતાવરણમાં તેમનું પ્રમાણ વધતું રહે છે.
- આ ઉપરાંત કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓ દરમિયાન પણ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે. અને વાતાવરણમાં મુક્ત થાય છે.
- વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ વરસાદના પાણીમાં ઓગળતા તે એસિડમાં રૂપાંતર પામે છે અને આવા એસિડયુક્ત વરસાદનું પાણી જ્યારે પૃથ્વી સુધી પહોંચે ત્યારે તે એસિડ રેઈન તરીકે ઓળખાય છે.
એસિડ રેઈનની હાનિકારક અસરો
- એસિડ રેઈનને કારણે જે - તે વિસ્તારમાં જંગલો અને વનસ્પતિની ઉત્પાદકતા પર ખરાબ અસર થાય છે. કેમ કે, તેનાથી વનસ્પતિનાં પર્ણોને નુકસાન થાય છે અને ક્યારેક તો તેમાં કાણાં પડી જાય છે.
- જે જમીન પર એસિડ રેઈન પડ્યો હોય તે જમીનમાં જૈવિક પ્રક્રિયાઓમાં ખૂબ મોટો ઘટાડો થાય છે. કેમ કે, જમીનમાં રહેલા સુક્ષ્મસજીવો નાશ પામે છે. પરિણામે આ સુક્ષ્મસજીવો દ્રારા જમીનને થતો લાભ અટકી જાય છે.
- એસિડ રેઈનથી જમીનની ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે, કેમ કે, તેનાથી જમીનમાં રહેલા પોષકતત્વો નાશ પામે છે અથવા તો અપ્રાપ્ય બની જાય છે.
- એસિડ રેઈનથી પીવાના પાણીના સ્ત્રોત પણ દૂષિત થાય છે અને પરિણામે તેનું પાણી પીવાલાયક રહેતું નથી.
- એસિડ રેઈનથી નદી, તળાવ, સરોવરની સજીવસૃષ્ટિ પર ખરાબ અસર પડે છે. આ સજીવોની સંખ્યામાં ઘટાડો છે. અમેરિકા, સ્વીડન, કેનેડા જેવાં દેશોના અનેક જળાશયો એસિડ રેઈનને પરિણામે મત્સ્યવિહીન થઈ ગયાં છે.
- એસિડયુક્ત પાણી તાંબાની પાઈપમાંથી તાંબાને ઓગળીને પાણીમાં ભેળવી દે છે. પરિણામે આવું પાણી ઝેરી બને છે. તેનાથી બાળકોને ડાયેરિયા થાય છે. જો પાણીમાં એલ્યુમિનિયમ ધાતુ ભળી જાય તો તેનાથી માનસિક ગરબડ તથા શ્વાસ લેવા તકલીફ થાય છે.
- એસિડ રેઈન ઈમારતોને પણ નુકસાન કરે છે. તેમાં રહેલા એસિડ સામાન્ય રીતે ઈમારતોના પથ્થરો અને ધાતુને નુકસાન કરે છે ભારતની ઔતિહાસિક ઈમારત તાજમહેલ પણ આ જ પ્રકારના પ્રદુષણનો ભોગ બનેલ છે.
- તાજમહેલથી ૪૦ કિમી દૂર આવેલા મથુરા રિફાઈનરીમાંથી મુક્ત થયેલ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ એસિડ રેઈન સ્વરૂપે તાજમહલ પર વરસે છે. તેને લીધે ધીમે ધીમે તાજમહેલના પથ્થરો ઘસાતાં જાય છે અને તેનો રંગ પણ ફિક્કો પડી રહ્યો છે.
એસિડ રેઈનથી બચવાના ઉપાયો
- અશ્મિબળતણની જગ્યાએ પ્રદુષણરહિત ઊર્જ સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ જેમ કે સૌરઊર્જા, પવનઊર્જા, જળઊર્જા વગેરે.
- વાહનોમાં તથા યંત્રોમાં એવા બળતણનો ઉપયોગ કરવામાં આવે કે જેમાં સલ્ફર અને નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય જેથી કરીને આવા બળતણના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ વાયુઓનું ઉત્પાદન ઓછું થાય.
- બળતણના દહનથી ઉત્પન્ન થયેલાં વાયુઓને સીધેસીધા વાતાવરણમાં મુક્ત કરવાને બદલે ખાસ પ્રકારનાં રસાયણોના થરમાંથી પસાર કરવા જોઈએ જેથી તેમાં રહેલ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ દૂર કરી શકાય.
- નબળી ક્ષમતાવાળા એન્જિન ધરાવતાં વાહનો વધુ પ્રદુષણ કરે છે, માટે તેવાં વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ લાદવો જોઈએ.
- જમીન તથા તળાવોની એસિડીકતા ઓછી કરવા માટે તેમાં ચૂનો ઉમેરવો જોઈએ.
- દ્વિ-ચક્રી વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેની જગ્યાએ બસ, ટ્રેઈન જેવાં મોટાં વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઓછા બળતણમાં વધુ લોકો મુસાફરી કરી શકે, અને સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પાદન પણ ઓછું થશે.
આમ, એસિડ રેઈનને અટકાવવા માટે એવા ઉદ્યોગો પર નિયંત્રણો લાદવા જોઈએ કે જે એસિડ રેઈન માટે જવાબદાર સલ્ફર ડાયોક્સાઇડ અને નાઈટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત કરતાં હોય.

0 ટિપ્પણીઓ