ખાતર: ખાતર એટલે શું? જૈવિક ખાતર: વર્મીકમ્પોસ્ટ ખાતર: ભારત દેશએ કૃષિ પ્રધાન દેશ છે. આપણાં દેશમાં મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે. ખેડૂતો પાકનાં સારા ઉત્પાદન માટે અને પાકને રોગથી બચાવવા માટે ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરે છે. આ આર્ટિકલમાં ખાતર એટલે શું? તેનાં લાભ અને ખાતરના પ્રકાર વિષે જાણીશું.
ખાતર એટલે શું? તેનાં પ્રકાર
વનસ્પતિની વૃધ્ધિ અને સારા વિકાસ માટે જમીનમાં જે પદાર્થનો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે.
ખાતરના પ્રકાર
- સેન્દ્રિય ખાતર,
- રાસાયણિક ખાતર.
સેન્દ્રિય ખાતર
સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે.
સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનાં આધારે સેન્દ્રિય ખાતરને બે ભાગમાં વહેંચવામાં આવે છે. 1) કમ્પોસ્ટ, 2) લીલું જૈવિક ખાતર.
સેન્દ્રિય ખાતરના લાભ
- તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદ્રુપતા વધારે છે.
- તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનમાં જળસંગ્રહક્ષમતા વધારે છે.
- ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીનાં નિકાલમાં મદદરૂપ બને છે. તેથી પાણી એકત્રિત થતું અટકાવે છે.
- સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરનાં કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતાં પર્યાવરણને થતાં નુકસાન/પ્રદુષણ ઘટાડવામાં મદદ કરે છે.
ગેરલાભ
- તે જમીનને પોષાક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે.
સેન્દ્રિય ખાતરના પ્રકાર
સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે તેના બે પ્રકાર પાડવામાં આવે છે.
- કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટ,
- લીલું જૈવિક ખાતર.
કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટ
પશુઓના મળમૂત્ર, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી સ્ટ્રો, સુએઝ કચરો વગેરેને ખાડામાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટ અને વર્મિકમ્પોસ્ટ કહે છે.
વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોને અળસિયાં દ્વારા થતી વિઘટનની ક્રિયા કરવામાં આવે, તો તેને વર્મિકમ્પોસ્ટ કહે છે. આ વિઘટનની ક્રિયાથી તૈયાર થતાં કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે.
લીલું જૈવિક ખાતર
પાક ઉગાડતા પહેલાં ખેતરમાં પણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિઓ પર પુષ્પ બેસે તે પહેલાં તેનાં પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે.
ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4-6 અઠવાડિયામાં વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાઈ જાય છે. લીલું જૈવિક ખાતર ભૂમિને નાઈટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદરૂપ છે.
રાસાયણિક ખાતર
રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિનાં પોષાક દ્રવ્ય છે.
લાભ
- તેનો ઉપયોગ વનસ્પતિને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે.
- તેનાં ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
આમ, તેનાં ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે.
ગેરલાભ
- તેનો ઉપયોગ આર્થિક રીતે મોંઘો છે.
- વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતાં પ્રમાણમાં શોષણ કરી શકતી નથી.
- તેનો ઉપયોગ જલ પ્રદૂષણનું કારણ બને છે.
- તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે.
- તેનાં વારંવાર ઉપયોગથી ભૂમિની સૂક્ષ્મ જીવો અને અળસિયાં જેવાં ભૂમિગત સજીવના જીવનચક્ર અવરોધાય છે.
આમ, ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ. તેનાં ઉપયોગ માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે.

0 ટિપ્પણીઓ