આજની સમસ્યા : ભ્રુણહત્યા પર નિબંધ | ભ્રુણહત્યા પર નિબંધ | Bhrunhatya Nibandh
ભ્રુણહત્યા પર નિબંધ
સ્વતંત્રતા પ્રાપ્તિના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવાં સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચનીચના ભેદભાવ, અસ્પૃશ્યતા શોષણ, જાતીય અસમાનતા, દહેજપ્રથા તથા ભ્રૂણહત્યા આ સામાજિક દૂષણનો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. ધીરે ધીરે આવા દુષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે.
ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાવતા ભ્રૂણહત્યા કરાવતા દંપતિઓની સંખ્યા દિવસે દિવસે ઘણી વધતી ગઈ છે. ડોક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતાં જરાઅ પણ અચકાતા નથી. ભ્રૂણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે તેથી કન્યા જન્મનું પ્રમાણ દિન- પ્રતિદિન ઓછું થતું ગયું છે.
વર્ષ 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી પુરુષનું જાતીય પ્રમાણ 933 : 1000 છે. આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે પણ ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833 : 1000 નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લા સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે જે ખૂબ ચિંતાજનક છે.
આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દિકરી હોવાનું માલ ઉપર તાજ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણહત્યા કરવામાં આવે છે. પુત્રજન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે છે.
પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. એને સાપ નો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા-બાપ માટે બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી-ભ્રુણહત્યા માટે આ બધાં પરિબળો જવાબદાર છે.
અત્યારે સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી હોય તો છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતિય લગ્નનો, બળાત્કારની ઘટનાઓ બનશે. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણા જનક બની જશે. સમાજે ઉભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ તુટશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઇ જશે, જે દેશને ભારે નુકસાન પહોંચાડશે.
સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓને ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નથી જ સ્ત્રી ભૃણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે 'બેટી બચાવો' અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે.

0 ટિપ્પણીઓ