મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ Friendship Essay in Gujarati OR Mitrta Ni Mithas Athava Maro Priya Mitra Gujarati Nibandh
મિત્રતા ની મીઠાશ અથવા મારો પ્રિય મિત્ર પર નિબંધ
માનવીના જીવનમાં માતા-પિતા, ભાઈ-બહેન, સગાસંબંધીનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મિત્રનું છે, મા-બાપ એ બાળકના પ્રથમ ગુરુ છે - તો મિત્રએ બાળકનો પ્રથમ સાથી છે. મિત્રની સાથે રમતા રમતા બાળક હાર-જીતનો ભાવ અને બે વચ્ચેનો ભેદ સમજતા શીખે છે. હારવા છતાં, તેઓ વચ્ચેની લાગણીની માત્રામાં વધઘટ થતી નથી.
આ તો થઈ બાળપણની શરૂઆતની મિત્રતાની વાત. આ વાત આજે મને એટલા માટે યાદ આવે છે કે શાળામાં સાત સાત વર્ષ સાથે ભણ્યા પછી મારા મિત્ર થી છૂટા પડવાનો સમય નજીક આવી ગયો છે. હું અને મારા મિત્ર ચોથા ધોરણથી સાથે એક જ શાળામાં, એક જ વર્ગમાં સાથે દાખલ થયા. અમે બંને, અમારા મા-બાપ સાથે, અમારી નવી સોસાયટીમાં સાથે જ રહેવા આવ્યા અને ઘરની નજીકની શાળામાં ચોથા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો હતો.
સાથે રહેવાનું ને સાથે ભણવાનું - તેની સહજ રીતે અવરજવર વધતા એકબીજાના પરિચયમાં આવ્યા. સમાન વિચારોને સમાન સામાજિક દરજ્જા અથવા તો આવા કોઈક પરિબળ ના કારણે મિત્રતા થઈ ગઈ, જે દિવસેને દિવસે વધતી ગઈ.
શાળાએ જવા-આવવાનું સાથે, ગૃહકાર્યમાં એકબીજાનો સાથ અને સંગ, વળી પરીક્ષાની તૈયારી પણ જોડે ને જોડે જ. પરંતુ એક વાતમાં અમારી વચ્ચે સમાનતા ન હતી. અમારી શાળાની મિત્રતા અને મિત્ર વર્તુળ અલગ અલગ હતા. નવાઈ આજે પણ એ વાતની લાગે છે કે શાળાના અમારા આ બે મિત્ર વર્તુળમાં કોઈપણ સામાન્ય સભ્ય ન હતો.
શાળાથી ઘરે જઈએ એટલે રમતના સમયે સાથે જ હોઈએ. સોસાયટીના અન્ય બાળકો સાથે રમવાનું થાય, ત્યારે ટીમમાં અમે બંને એક જ ટીમમાં રમતાં. રજાના દિવસોમાં કોઈપણ જગ્યાએ જવાનું હોય - ખરીદી કરવા, ફરવા, સિનેમા જોવા તો હું અને મારા મિત્ર સાથે જ હોઈએ.
દિવાળીના તહેવારોમાં અમારી ઉજવણી અનેરી પ્રકારની રહેતી, દિવાળીમાં ફટાકડા પોતપોતાના ઘરે ફોડતા, પરંતુ દિવાળીની રાત્રે 10 વાગ્યાથી સોસાયટીમાં સૌ કોઈના ઘરે લાવેલા તૂટેલા મટકી, માટલા ભેગા કરતાં. બરાબર દસ વાગે દસ બોમ્બના ધડાકા 11:00 11 બોમ્બના અને બાર વાગે બાર બોમ્બના ધડાકા અને તે પણ માટલાની સાથે આ સિલસિલો મળસ્કો કે ત્રણ વાગ્યા સુધી ચાલતો.
ત્યાર પછી એક બે કલાકના આરામ પછી નવા વર્ષની શરૂઆત સબરસની વહેચણીતી થતી. હું અને મારા મિત્ર અને બીજા મિત્રો સોસાયટીના ઘર તેમજ આજુબાજુના ઘરે જઈ સબરસ વહેંચતા! ત્યારબાદ ઘરે આવી અને પોત પોતાના ઘરના સભ્યો સાથે દેવદર્શન તેમજ અન્ય કાર્યક્રમમાં ભાગ લેતાં. આમ, અમારી દિવાળીના તહેવારની ઉજવણી દરેક વર્ષે વિશેષ પ્રકારની રહેતી!
ઉતરાયણ નો તહેવાર કેમ ભુલાય? 13મી જાન્યુઆરીની રાત્રે 9:00 થી 12 ના છેલ્લા 100 મા સિનેમા જોવાની અને તેમાંથી છૂટી અને સીધા પતંગ બજાર જવાનું! અમદાવાદમાં ત્રણ ચાર મુખ્ય પતંગ બજારોમાં એમ જ્યાં ફરતા - એ બજારની રોનક કાંઈ ઓર જ હતી. જેમ જેમ રાત વધે, તેમ તેમ તેની રોનકમાં વધારો થતો જતો. દોરી, પતંગ, ગુંદરપટ્ટી, આંગણામાં પહેરવાની ચામડાની ટોટી વગેરેની ખરીદી પતાવીને ઘરે પાછા આવતા રાયપુરના ગરમ ભજીયા ખાવાની મજા, લિજ્જત અનેરી જ હતી.
મિત્રતાની સારી વાતો, તહેવારો, ઉજવવાની મોજ-મસ્તી, હરવા ફરવાની મજા આવી સુખદ યાદોની સાથે સાથે કેટલીક દુઃખદ યાદો પણ સંકળાયેલી છે. આવી પળોમાં એકમેકનો સાથ એકમેકની હું આત્મીયતાને વધારે ગાઢ બનાવી દેતી અને આ જ કારણથી આવી પડોની વિગતે નોંધ કરવાનું યોગ્ય નથી લાગતું. મારા મિત્રની સાથે ક્યારેક મનભેદ કે મતભેદ થયાનું યાદ આવતું નથી.
થોડા સમયમાં અમારી દસમા ધોરણની પરીક્ષા પૂરી થશે. પતાસેક દિવસમાં પરિણામ આવશે અને તે પછીના એકાદ માસમાં આગળ અભ્યાસની શરૂઆત થશે. દસમા પછીના અભ્યાસમાં હું અને મારા મિત્ર એક જ સ્ટ્રીમમાં કે એક જ શાળામાં સાથે અભ્યાસ કરી શકીશું નહીં, તે તો સમય જ જણાવશે; પરંતુ એટલું જરૂર કહી શકશો કે આ સાત સાત વર્ષનો સાથ અને મિત્રતા એટલી સહેલાઈથી ભુલાઈ જાય તેવી તો નથી જ નથી. ભલે ગમે ત્યાં ભણીએ, ભલે ગમે ત્યાં રહીએ, વિતેલા સમયને, વિતેલી ક્ષણોને કદાપી નહીં ભૂલી.
આ યાદોની મીઠાશ દૂધમાં પડેલી સાકર જેવી બની રહેશે - જેનાં મિશ્રણથી ઉદભવેલી મીઠાશનો અનુભવ તો એ દૂધ જેણે પીધું હોય, તેને જ ખબર પડે; ઠીક એવી રીતે અમારી મિત્રતાની મીઠાશ તો - અમે એકબીજાના વ્યક્તિત્વ ને ઓળઘોળ કરી અને જોડનાર જ જાણીએ.

0 ટિપ્પણીઓ