માતૃપ્રેમ નિબંધ | માતૃપ્રેમ નિબંધ ગુજરાતી pdf | માતૃપ્રેમ નિબંધ 200 words | માતૃપ્રેમ વિશે નિબંધ | માતૃપ્રેમ પર નિબંધ Mothers Love Essay in Gujarati
આ આર્ટિકલમાં માતૃપ્રેમ અથવા મા પર ગુજરાતી નિબંધ રજૂ કરવામાં આવ્યો છે.
માતૃપ્રેમ નિબંધ - Mothers Love Essay in Gujarati
માં કહેતા મોઢું ભરાઈ જાય એવી વાત મૂર્તિ માતાને કવિ શ્રી બોટાદકરે "જનનીની જોડ સખી નહી જડે રે લોલ" શબ્દમાં અને કવિશ્રી પ્રેમાનંદે "ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર" કહીને માતાના ઋણનો સ્વીકાર કર્યો છે.
બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને બાળકને જન્મ આપી તેનું લાલન પાલન કરી સુયોગ્ય ઘડતર આપી તે મોટું ને સમજણુ થાય ત્યાં સુધીમાં માતા અનેક કષ્ટો વેઠીને પોતાના સુખને વિસારે પાડે છે. અને તેથી જ જગતના સૌ સ્નેહીજનો વચ્ચે તે સૌજન્યમૂર્તિ જેવી ઝળહળે છે. માતાએ સંતાનોને માત્ર જન્મ આપનારી જન્મદાત્રી જ નથી તે તો બાળકનું જીવનની જેમ જતન કરનારી જનેતા અને સુયોગ્ય ઘડતર કરનારી સંસ્કારદાત્રી પણ છે.
માતાને મન તેનું દરેક બાળક કાળજાનો કટકો છે. પછી ભલે તે એક સંતાનની માતા હોય કે આઠ સંતાન ની માતા હોય. માતા તે માતા છે અને તેમાં જ તેની ખરી લોહીની સગાઈ છે. માતા ગરીબ હોય શ્રીમંત એના વાત્સલ્યનું ઝરણું અખૂટ વહ્યાં કરે છે. બાળક તંદુરસ્ત અને દેખાવડું હોય કે લૂલુ લંગડું કે બહેરું બોબડુ, તેને મન તો તે ગુલાબના ખીલેલા ગોટા જેવું જ હોય છે.
બીમાર બાળકની સાર સંભાળ લેવામાં માતા રાતની ઊંઘને વિસારે પાડે છે. નિશાળેથી સમયસર પરત ન આવેલા બાળક માટે તે બેબાકડી અને ચિંતાતુર બની જતી હોય છે પોતે ભીનામાં સુઈ ને પોતાના બાળકને કોરામાં સુવડાવે છે. ખરેખર માતા ત્યાગમૂર્તિ છે. રાત દિવસ તે સંતાનની જ ચિંતા અને કલ્યાણનો વિચાર કરતી હોય છે. મા વિનાના સંતાનની સ્થિતિ દયાજનક હોય છે માટે તો કહેવાય છે કે "રેંટિયો કાંતતી માં ન મરજો, ભલે ઘોડે ચડતો બાપ ન હોય." માતા તો બાળકની જીવનનૈયાનું સુકાન છે. જીવનનું સબરસ છે. ત્યાગ, વાત્સલ્ય માધુર્યભરી જીવનની અણમોલ અને અદ્વિતિય મૂડી છે.
જગતના દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાયી છે. માટે તો નેપોલિયાને તેને માટે "એક માતા સો શિક્ષકની ગરજ સારે છે" કહ્યું છે. માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે. ચારિત્ર્યવાન વ્યક્તિ જ સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરી શકે છે. રાષ્ટ્રનિર્માણમાં માતાનો ફાળો રહેલો છે. તેથી જ કહેવાયું છે કે "જે કર જુલાવે પારણું, તે જગ પર શાસન કરે." મીનળદેવીએ સિધ્ધરાજમાં અને જીજાબાઈએ શિવાજીમાં રાષ્ટ્રભાવના નું વાવેતર કર્યું હતું. પૂતળીબાઈ જેવી માતાએ ગાંધીજીને વારસામાં સંસ્કારધન આપ્યું હતું.
પેટે પાટા બાંધીને સંતાનને ભણાવી ગણાવી સારા નોકરી ધંધે વળગાડવામાં માતાને અનેક દુઃખો વેઠવા પડ્યા હોય છે. તે માતાને ઘડપણમાં સંતાન તરફથી જોતી તિરસ્કાર મળે, સહારા ના બદલે અપમાન મળે તો પણ તેનું હૈયું તો "ખમ્મા મારા લાલને" જ પોકારતું હોય છે. માટે જ કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય." સર્વત્ર પૂજનીય એવા માતૃત્વ માટે "અર્પી દઉં સો જન્મ એવડું મા તુ જ લ્હેણું" કહીને કવિ શ્રી બહેરામજી મલબારી માતા તરફનું ઋણ અદા કરે છે.

0 ટિપ્પણીઓ