ખનિજો કુદરતની બક્ષિસ છે. તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે. આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે. ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ છે.
ખનિજોના પ્રકાર
પૃથ્વી પર ત્રણ હજારથી વધુ ખનિજો છે. સંરચનાના આધારે ખનિજોને મુખ્યત્વે ધાતુમય અને અધાતુમય ખનિજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ખનિજોનું વર્ગીકરણ
ધાતુમય ખનિજો
ધાતુમય ખનિજોમાં ધાતુ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિધુતના વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે. ધાતુઓને ટીપી કે ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુ પ્રાપ્ત થાય છે. જેમકે સોનું, જસત, ચાંદી, તાંબુ વગેરે મુખ્ય છે.
અધાતુમય ખનિજો
આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. ચુનાનો પથ્થર, અબરખ અને જિપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. ઊર્જા-સંસાધન જેમકે, કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમકે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાથી મળી આવે છે.
ઊર્જા-સંસાધન
ઊર્જા આપણાં જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણને ઉધોગ, ખેતી, પરિવહન, સંદેશાવ્યવહાર અને સંરક્ષણ માટે પણ ઊર્જાની જરૂરિયાત હોય છે. જે સાધનો થકી આપણને યંત્રોને ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઊર્જા પ્રાપ્ત થાય છે તેને ઊર્જા-સંસાધન કહે છે. તેને પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
પરંપરાગત સ્ત્રોત
જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઊર્જાના પરંપરાગત સ્ત્રોત કહે છે. લાકડું અને અશ્મિભૂત ઈંધણ પરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્ત્રોત છે.
કોલસો
આ વિપુલ પ્રમાણમાં મળી આવતું અશ્મિભૂત બળતણ છે. તેનો ઘરેલું બળતણ, લોખંડ, પોલાદ જેવાં ઉધોગ, વરાળ એન્જિન, વિજળી ઉત્પન્ન કરવામાં વપરાય છે. કોલસામાંથી મેળવેલી વીજળીને તાપવિદ્યુત કહેવામાં આવે છે.
ચીન, જર્મની, રશિયા, ફ્રાંસ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે. રાણીગંજ, ધનબાદ, બોકારો ભારતમાં કોલસા ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતમાં કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરતમાં મળે છે. અહીંથી લિગનાઈટ કોલસો મળે છે.
ખનિજ તેલ
પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ મળે છે. તે પ્રસ્તર ખડક સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે. તે અર્ધ પ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે.
ત્યારપછી તેને રિફાઇનરીમાં શુદ્ધ કરવા માટે મોકલવામાં આવે છે. જયાં કાચા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, કેરોસીન, પેટ્રોલ, મીણ, પ્લાસ્ટિક અને ઈંધણતેલ જેવાં વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખનિજ તેલનો કોઈપણ ભાગ બિનઉપયોગી નથી તેને 'કાળું સોનું' કહેવામાં આવે છે.
ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, કતાર એ પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર અસમમાં દિગ્બોઈ, મુંબઈમાં બોમ્બે હાઈ તથા કૃષ્ણ અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશમાં છે. ગુજરાતમાં આણંદ જિલ્લાના લૂણેજ ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું હતું. ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ગણાય છે.
કુદરતી વાયુ
કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જયારે કાચા ખનિજ તેલ ને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉધોગોમાં ઈંધણ તરીકે થાય છે. રશિયા, યુ. કે. અને નેધરલેન્ડ કુદરતી વાયુ ના મુખ્ય ઉત્પાદક દેશો છે.
ભારતમાં જેસલમેર, ખંભાતબેસીન, ત્રિપુરા, બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે.
બિનપરંપરાગત સ્ત્રોત
સૌરઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા બિનપરંપરાગત સ્ત્રોત છે. ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિંસ ઓફ એનર્જી ની રચના કરવામાં આવી છે. ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ની રચના કરવામાં આવી છે.
સૌરઊર્જા
સુર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યની ગરમી અને પ્રકાશઊર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી સૌરઊર્જાનો ઉપયોગ સૌર-કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. તેનો ઉપયોગ સૌર વોટર-હિટર, સોલર-કુકર, સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે. મધ્યપ્રદેશના રેવામાં 'સૌરઊર્જા પરિયોજના' આવેલી છે, જે એશિયાની મોટી સૌરઊર્જા યોજના ગણાય છે.
ગુજરાત દેશમાં સૌરઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે. ૫૯૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એ છાણી પાસે ૧૦ટનની ક્ષમતાવાળુ સૌર શીતગાર સ્થાપ્યું છે. આજે દેશમાં સૌરઊર્જાથી ચાલતાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે.
પવનઊર્જા
પવનઊર્જા એ એક અખુટ અને પ્રદુષણ મુક્ત સ્ત્રોત છે. એકવાર સ્થાપિત કર્યા બાદ વિધુત-ઉત્પાદમા ઓછો ખર્ચ થાય છે. પવનચક્કી નો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને પાણી કાઢવા માટે પહેલાનાં સમયથી થઈ રહ્યો છે.
હાલના સમયમાં તેને જનરેટર સાથે જોડી વીજળી ઉત્પન્ન કરાય છે. પવનચક્કી ના સમુહને વિન્ડફાર્મ કહે છે. જર્મની, યુ. એસ. એ, સ્પેન, ડેનમાર્ક અને ભારત પવનઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશ છે. ગુજરાતમાં દ્વારકાના લાંબા ગામે અને કચ્છના માંડવીનાં સમુદ્રકિનારે વિન્ડફાર્મ છે.
ભુ-તાપીય ઊર્જા
ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ જે ઊર્જા મેળવવામાં આવે છે તેને ભુ-તાપીય ઊર્જા કહે છે. વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતોના રૂપમાં ભુ-તાપીય ઊર્જાનો ઉપયોગ રાંધવા, ગરમી મેળવવા અને નાહવા માટે થાય છે. ભુ-તાપીય ઊર્જા પ્રદુષણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે. યુ.એસ.એ. મા વિશ્વનો સૌથી મોટો ભુ-તાપીય ઊર્જા પ્લાન્ટ છે.
હિમાચલપ્રદેશના મણિકરણ અને લદાખમા પૂગાઘાટી ખાતે ભારતના ભુ-તાપીય ઊર્જાના પ્લાન્ટ આવેલા છે. ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે જયાં ભુ-તાપીય ઊર્જા મળવાની સંભાવના છે.
ભરતીઊર્જા
ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતીઊર્જા કહેવામાં આવે છે. આ ઊર્જા સમુદ્રના સાંકડા બંધ બાંધીને મેળવાય છે. ઊંચી ભરતી સમયે ભરતીની ઊર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. ભરતીઊર્જા અખુટ અને પ્રદુષણમુક્ત છે. ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.
બાયોગેસ
જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નિકળતા એઠવાડ ને વાયુ મુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વિજળી ઉત્પાદન કરવાનું શ્રેષ્ઠ બળતણ છે. તેમાથી જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.
આમ, ઊર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉતરપ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે.
ખનિજોની ઉપયોગીતા
- મેંગેનીઝ રાસાયણિક ઉધોગ, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉધોગોમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે.
- કોપરનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિકકા અને છાપકામા થાય છે.
- સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડની બનાવટમાં થાય છે.
- કોલસો તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે.
- કમ્પ્યુટર ઉધોગોમાં વપરાતું સિલિકોન કવાટર્ઝમાથી લેવામાં આવે છે.
- જગતનો ઉપયોગ ગેલ્વેનાઈઝ પતરા ઉપર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે.
- લોખંડનો ઉપયોગ ટાંકણી થી માંડી મોટા યંત્રો, પુલ, મકાન, જહાજ વગેરે બનાવવામાં થાય છે.
- ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડાએશ, સાબુ, કાગળ જેવા ઉધોગોમાં વપરાય છે.
ખનિજોનું સંરક્ષણ
- કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધન છે. તેને બનતા હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિનનવીનીકરણીય સંસાધન નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવાની આવશ્યકતા છે.
- ધાતુઓનું રિસાઈક્લિંગ : લોખંડ, કોપર, કલાઈ, એલ્યુમિનિયમ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ.
- વિધુતના સ્થાને સૌર-વિધુતનો ઉપયોગ, પેટ્રોલના બદલે CNG નો વપરાશ વધારવો જોઈએ.
- જળ, સૌર, પવન, બાયોગેસ જેવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ.
0 ટિપ્પણીઓ