આબોહવા
કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહે છે.
ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમા છે. દરિયાકિનારાના પ્રદેશમાં ઉનાળામાં ગરમી ઓછી અને શિયાળામાં ઠંડી ઓછી અને વરસાદનું પ્રમાણ વધુ એવી સમઘાત આબોહવા અનુભવ છે.
ગુજરાતની આબોહવાની લાક્ષણિકતાઓ
શિયાળો
ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં બધે જ તાપમાન નીચું રહે છે. આ ઋતુ દરમિયાન હવામાન ઠંડું રહે છે. શિયાળાની ઋતુમાં જાન્યુઆરી મહિનો સૌથી વધુ ઠંડો રહે છે. ભૂમધ્ય તરફથી આવતા ઠંડા અને તોફાની પવનો ગુજરાત પરથી પસાર થાય છે ત્યારે કેટલાક ભાગોમાં થોડોક વરસાદ થાય છે જેને માવઠું કહે છે.
ઉનાળો
માર્ચથી મે માસ સુધી ગુજરાતના બધા ભાગોમાં તાપમાન ઊચું રહે છે. મે માસમાં સૌથી ઊંચું તાપમાન રહે છે. ઘણાં વિસ્તારમાં 45 સે. જેટલું તાપમાન રહે છે.
ચોમાસું
મે મહિના પછી નૈર્ઋત્ય મોસમી પવનોની અસરથી હવામાં ભેજનું પ્રમાણ વધતાં જૂનથી સપ્ટેમ્બર સુધી વર્ષાઋતુ રહે છે. જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયામાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવનોના તોફાન સાથે વર્ષાઋતુનો પ્રારંભ થાય છે. કેટલાક પવનો કલાકનાં 100 કિ. મી. ની ઝડપે ફુંકાય છે.
આબોહવાની માનવજીવન પર થતી અસરો
ઋતુઓ બદલાય છે તેમ આપણા પોષાક, ખોરાક મા ફેરફાર થાય છે. શિયાળામાં ઊનના ગરમ કપડાં, ઉનાળામાં સુતરાઉ કપડાં અને ચોમાસામાં છત્રી અને રેઈનકોટ નો ઉપયોગ કરીએ છીએ. ઋતુ ફેરફારની સાથે ફળફુલમા પણ ફેરફાર થાય છે. શિયાળામાં બોર અને જામફળ, ઉનાળામાં કેરી તો ચોમાસામાં જાંબુ ખાવાની મજા પડે છે.
કુદરતી સંસાધનો
આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિ એટલે સંસાધન. કેટલાક સંસાધન આપણને કુદરતે જ આપ્યા છે. કુદરતે આપેલા સંસાધનને કુદરતી સંસાધન કહે છે. નદીઓ, સરોવર, હવા, પ્રકાશ, જંગલો, પંખીઓ, પહાડો, ખનીજ વગેરે કુદરતી સંસાધન છે.
જળસંસાધન
ગુજરાતની જળ સંપતિઓમાં નદી, તળાવ, વાવ, ઝરણાં, કૂવા વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બનાસ, રૂપેણ, તાપી, સરસ્વતી, વાત્રક, મહી, નર્મદા, કીમ, પૂર્ણા, મચ્છુ વગેરે જેવી નદીઓ વહે છે. ઉતર ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય નદીઓ કચ્છના રણમાં જ સમાઈ જાય છે એટલે તેને અંત:સ્થ નદીઓ કહે છે. ગુજરાતની નદીઓમાં નર્મદા, તાપી, મહી, સરસ્વતી મુખ્ય છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે.
ગુજરાતનો દરિયાકિનારો આશરે 1600 કિ.મી. લાંબો છે. આ દરિયાકિનારે નાના મોટા 40 બંદરો આવેલાં છે, જેમાં કંડલા, ભાવનગર, પોરબંદર, વેરાવળ, ઓખા, બેડી, નવલખી હજીરા, પીપાવાવ, દહેજ મુખ્ય બંદરો છે. જેમાં સૌથી મોટું કંડલા બંદર છે.
જળ સંસાધનનું મહત્વ
- નદીઓ, સરોવર, કુવા આપણને ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડે છે.
- કેટલીક બારમાસી નદીઓ પર બંધ બાંધીને નહેરો અને પાઈપલાઈન દ્વારા પાણીની તંગી હોય તેવા વિસ્તારોને પહોચાડવામાં આવે છે.
- વિશાળ દરિયા કિનારે આવેલા બંદરો પર મત્સ્ય ઉધોગ, વહાણ બનાવવાનો ઉધોગ, મીઠા ઉધોગ વિકસ્યો છે.
- કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કાલુ માછલી, ઓક્ટોપસ અને ડોલ્ફિન માછલી જોવા મળે છે.
- દરિયાકિનારા નજીકના વિસ્તારો જેવા કે જામનગરના ઓખા અને લાંબા ખાતે એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ આવેલું છે તેમજ કચ્છના માંડવીમાં પવનચક્કી દ્રારા વિધુત ઉત્પન્ન કરવામાં આવે છે.
- ઓખા અને વેરાવળ બંદર વચ્ચેના દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં આ દરિયાકાંઠે આવતી હોય છે.
જળસંસાધનોની જાળવણી
- ગામ તળાવો, જૂની વાવો અને શહેરની આજુબાજુના જૂના તળાવોને પુરતાં ઊંડા બનાવી વધુ પાણી સંગ્રહ કરી શકાય, તેવા બનાવવા.
- ભૂગર્ભ-જળમા વધારો કરવા માટે જંગલો ઉગાડવા જોઈએ.
- ઉધોગોએ બગાડેલા પાણીને રિસાઇકલ કરી વાપરી શકાય તે માટે સામૂહિક પ્લાન્ટ નાખવા જોઈએ.
- પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
વનસંસાધન
ગુજરાતના જંગલોનાં ચાર પ્રકાર પડે છે.
ભેજવાળા પાનખર જંગલો
આ પ્રકારના જંગલો 120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે.
સૂકા પાનખર જંગલો
આ પ્રકારના જંગલો 60 સેમી કે 120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશમાં આવેલા છે.
સૂકા ઝાંખરાવાળા જંગલો
આ પ્રકારના જંગલો 60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં એટલે કે ઉતરના સૂકા ભાગોમાં સૂકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે.
મેનગ્રુવના જંગલો
કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશમાં મેનગ્રુવ જંગલ જોવા મળે છે.
જંગલોનું મહત્વ ધરાવે
- શીમળાના વૃક્ષોના લાકડામાંથી દીવાસળીની પેટી, પેકિંગ ઉધોગ માટે સામાન અને પ્લાયવુડ ઉધોગ વિકસ્યો છે.
- સાલના લાકડાંને લાંબા સમય સુધી ઊધઇ લાગતી નથી તેથી તેનું લાકડું રેલ્વેના સ્લીપર, રેલવેના ડબ્બા બનાવવામાં અને ઈમારતો અને ફર્નિચર બનાવવામાં કામ લાગે છે.
- ખાખરાનાં પાનમાથી પડિયા-પતરાળા, મહુડાનાં ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં કામ લાગે છે.
- વાંસો, બહેડાં, કાકડ, મોઘળ વગેરે જાતનાં લાકડાનો ઉપયોગ કરીને તેમાથી કાગળ બનાવવા માટેનો માવો તૈયાર કરવામાં આવે છે.
- જંગલમાંથી લાખ, ગુંદર, મધ, કાથો, ગુગળ, સર્પગંધા, અશ્વગંધા, શંખાવલી જેવી વિવિધ પ્રકારની ઔષધિઓ મળે છે.
પ્રાણી સંસાધન
ગુજરાતમાં જંગલો હેઠળનો વિસ્તાર ઘણો ઓછો છે, પણ એ જંગલો વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓથી સમૃદ્ધ છે. ગુજરાતમાં સિંહ, દીપડા, વાઘ, હરણ, નીલગાય, સાબર, ભુંડ, કાળીયાર, ઘુડખર જેવાં પ્રાણીઓ અને મોર, પોપટ, ચકલી, ઘુવડ, મેના, તેતર જેવાં પક્ષીઓ જોવા મળે છે. સિંહ અને ઘુડખર જેવાં પ્રાણીઓ તો સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. સિંહ એશિયામાં માત્રા સાસણગીરમા જ જોવા મળે છે.
અભયારણ્યો
જયાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જયાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને 'અભયારણ્ય' કહે છે. તેમાં હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચારણ માટે પ્રતિબંધ નથી પણ પ્રાણીઓના શિકાર ઉપર પ્રતિબંધ છે.
- અમદાવાદમાં જિલ્લામાં નળ સરોવર સ્થળાંતરિત પક્ષીઓ માટેનું 'પક્ષી અભયારણ્ય' આવેલું છે.
- ડાંગ જિલ્લામાં વાઘ અને સાબર માટે બરડીપાડા નું અભયારણ્ય આવેલું છે.
- નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામા રીંછ અભયારણ્ય આવેલું છે.
- દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ આવેલું છે.
- જામનગરમાં ખીજડીયા અને ગાગા અભયારણ્ય પક્ષીઓ માટેના પક્ષી અભયારણ્ય આવેલા છે.
- અમરેલી જિલ્લામાં સિંહ, દીપડા માટે પાણીયા અભયારણ્ય આવેલું છે.
- રાજકોટ જિલ્લામાં નીલગાય માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નીલગાયનું અભયારણ્ય આવેલું છે.
- સિંહ ભારતમાં માત્ર સાસણગીરમા જ જોવા મળે છે.
રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય વન્યજીવન અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે. અહીં શિકાર, પાલતુ પ્રાણીઓના ચરાણ અને હરવાફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
- જુનાગઢ જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
- જામનગર જિલ્લામાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
- વલસાડ જિલ્લામાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
- ભાવનગર જિલ્લામાં વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે.
ખનીજ સંસાધન
ગુજરાત ખનીજોની બાબતમાં સમૃદ્ધ છે. ગુજરાતમાં ચિનાઈ માટી, ચુનાનો પથ્થર, લિગ્નાઇટ, ડોલોમાઇટ, ફેલોરસ્પાર, ચિરોડી, અકીક, સિલિકા, જસત, સીસું, ગ્રેફાઇટ, ખનીજ તેલ, કુદરતી વાયુ જેવા વિવિધ ખનીજોનો સમાવેશ થાય છે.
કુદરતી સંસાધનોનું જતન અને વિવેકપૂર્વક ઉપયોગ
- જળાશયોને પ્રદુષણથી બચાવવા જોઈએ.
- અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિકાસ કરવો જોઈએ.
- કુદરતી સંસાધને મન ફાવે તેમ વાપરવી ના જોઈએ.
- વન્યજીવોપર થતાં અત્યાચાર અને શિકારની પ્રવૃત્તિઓ અટકાવી જોઈએ.
0 ટિપ્પણીઓ