આપતિ, આપતિના પ્રકાર અને આપતિ વ્યવસ્થાપન

આપતિ શબ્દ સાંભળતા વિનાશ, જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય છે. તે કુદરતી કે માનવસર્જિત, વાતાવરણથી નિપજેલ હોય કે પૃથ્વીના પેટાળમાંથી ઉદભવેલી, મંદગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે. 
     
રાબેતા મુજબ ચાલતા માનવજીવનમાં કોઈ દુર્ઘટના બને ત્યારે માનવજીવન ખોરવાઈ કે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આવી દુર્ઘટના એટલે આપતિ. કેટલીક આ પતિઓ અણધારી આવીને અચાનક વિનાશ સર્જે છે. 

આપતિ બે પ્રકારની હોય છે. 

  1. કુદરતી આપતિ
  2. માનવસર્જિત આપતિ

કુદરતી આપતિ 

જે આપતિ માટે કુદરતી પરિબળ જવાબદાર હોય તેને કુદરતી આપતિ કહે છે. પૂર્વ આગાહી શકય ના હોય તેવી ભૂકંપ, જવાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન જેવી આપતિ ભારે વિનાશ વેરે છે. જયારે પૂર્વ આગાહી કરી શકાય તેવી પુર, વાવાઝોડું, ત્સુનામી અને મહામારી જેવી આપતિઓમા અગમચેતી વાપરી બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે. 

આગાહી કરી શકાય તેવી આપતિ 

પૂર (Flood) 

નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ  એટલે પૂર. 

વાવાઝોડું (Cyclone) 

હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિ એટલે વાવાઝોડું. 

દુકાળ (Drought) 

વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેવી સ્થિતિ એટલે સૂકો દુકાળ. ખુબ જ વરસાદ પડે ત્યારે જે સ્થિતિ સર્જાય તે લીલો દુકાળ. 

ત્સુનામી (Tsunami) 

સમુદ્રના તળિયે ભુકંપ આવવાથી કે જવાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજા ઉત્પન્ન થાય તે ત્સુનામી.
 
ભૂસ્ખલન (Landslide) 

ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું. આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે. ધસી પડેલી શિલાઓ-માટી અને કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો પળવારમાં મૃત્યુ પામે છે. તેનાથી મોટાપાયે જાનમાલની તબાહી થાય છે. 

ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉતરાખંડ રાજ્યમાં કુમાઉ અને ગઢવાલ, પશ્ચિમ બંગાળ મા દાર્જિલિંગ મુખ્ય છે. ગુજરાતમાં સાપુતારા, ઈડર અને અંબાજી-દાતામા આવી ઘટનાઓ જવલ્લેજ બને છે. 

તીડ-પ્રકોપ (Locust Hazard) 

તીડ એક પ્રકારના કિટક છે. તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. તે દોઢથી બે ઈંચના હોય છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે. 

મહામારી (Pandemic) 

ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારી પરિસ્થિતિ કહે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે. ઈબોલા, સ્વાઈન ફલુ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચુકયા છે. 

આગાહી ન કરી શકાય તેવી આપતિ 

ભૂકંપ (Earhquake) 

જમીનના અંદરના ખડકો ખૂબ શકિતશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય છે, તે ભુકંપ છે. 

જ્વાળામુખી (Volcano) 

પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે જમીનની બહાર આવે તે જવાળામુખી. 

દાવાનળ (Forest Fire) 

જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તે દાવાનળ. 

માનવસર્જિત આપતિ 

આગ (Fire) 

બેદરકારી, શોર્ટ સર્કિટ કે અકસ્માતના કારણે રહેણાંક કે ધંધાના સ્થળે આગ લાગી શકે. 

યુદ્ધ (War) 

અંગત સ્વાર્થ, અહં, લાલચ કે રાજકીય વિવાદોથી પ્રદેશો કે સરહદી વિસ્તારો માટે યુદ્ધ લડાય છે. 

હુલ્લડ (Riot) 

વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારી અને મિલકતોને નુકસાનની ઘટના એટલે હુલ્લડ. 

બોમ્બ વિસ્ફોટ (Bomb Blast)  

તારાજી કરવા, વિનાશ માટે, ભય અને આતંક ફેલાવવા કે યુદ્ધ દરમિયાન કયારેક બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. 

ઔદ્યોગિક અકસ્માત (Industrial Accident) 

ઝેરી રસાયણો, મશીનરીના અયોગ્ય ઉપયોગ કે જાળવણી, માનવીય ભૂલો, રાસાયણિક પ્રવાહી કે વાયુ ઢોળાઈ જવાથી કે લીક થવાથી ઔદ્યોગિક અકસ્માતો સર્જાય છે. 

જંતુનાશકો બનાવતાં કારખાનામાંથી ઝેરીવાયુનુ ગળતર, ફટાકડાના કારખાનામાં  વિસ્ફોટ, રિફાઇનરીમાં વિસ્ફોટ, પરમાણુ ઉર્જા વગેરે ઉધોગોમાં થતાં અકસ્માતોથી કામ કરતાં કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાની જાન  ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. 

જો ઝેરી ગેસ-ગળતર થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસરો પડી શકે. વાતાવરણ અને જળાશયો પ્રદુષિત થાય છે. 

આપતિઓની માનવજીવન પર અસરો 

આપતિ માનવજીવન પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો કરે છે. જે મોટાભાગે વિનાશકારી હોય છે. કેટલીક અસરો સર્જનાત્મક પણ હોય છે. આપતિની મુખ્યત્વે ચાર પ્રકારની અસરો જોવા મળે છે. 

1. શારીરિક અસરો 

નાની મોટી શારીરિક ઈજાઓથી માંડીને મૃત્યુ સુધીની શારીરિક અસરો થાય છે. 

2. માનસિક અસરો 

ડર લાગવો, સૂનમૂન થઈ જવું, હતાશ થઈ જવું, આઘાત લાગવો જેવી માનસિક અસરો થાય છે. 

3. આર્થિક અસરો 

વ્યકિતગત કે જાહેર મિલકતો તથા ધંધો રોજગારને નુકસાન થવું વગેરે આર્થિક અસરો થાય છે. 

4. સામાજિક અસરો 

સ્થળાંતરણ, સ્વજનોથી અલગ પડવું જેવી સામાજિક અસરો થાય છે. 

આપતિ વ્યવસ્થાપન 

જયારે લોકો આપતિનો ભોગ બને છે ત્યારે તેમને સલામત રીતે કે ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે બહાર લાવવાની પ્રયુકિતઓ એટલે આપતિ વ્યવસ્થાપન.   
  • મહામારી જેવી પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતી થી પ્રચાર-પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. 
  • દાવાનળ ને અટકાવવા માટે ત્યાં આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વનવિભાગ ની કામગીરી વધારે વ્યાપક અને સઘન બનાવી દાવાનળ રોકી શકય છે. 
  •  ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ- ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. આમ કરવાથી તેની અસર ઓછી થશે. જો આગ લાગી હોય તો તે સ્થાનથી સલામત સ્થળે ખસી જવું. ટોળાં ન કરીને રાહત અને બચાવ કામગીરી ને મદદરૂપ થવું. 
આપતિઓ કુદરતી હોય કે માનવસર્જિત પણ તે માનવજીવન પર માઠી અસર છોડી જાય છે. સરકાર દ્વારા તબકકા વાર પગલાં લઈને તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં આવે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ