ઓપણો દેશ લોકશાહી છે.આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ અને ભાષાના લોકો વસે છે. અનેક વિવિધતા છતાં દરેકને સમાન તક મળી રહે તે માટે આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે. આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
બંધારણનો અર્થ
કોઇ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે.
બંધારણના ઘડવૈયા
આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી. આ માટે બંધારણની રચના કરવાનું જરૂરી જણાયું. બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને 'બંધારણસભા' કહેવામાં આવે છે.
બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ-ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જુદી-જુદી કોમ, ધર્મ, લિંગ,રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સભ્યોમા ડો. રાજેન્દ્રપ્રસાદ, ડો. ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, કનૈયાલાલ મુનશી તથા મહિલા પ્રતિનિધિઓમા સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
બંધારણસભાના અધ્યક્ષ તરીકે ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા. જયારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાવવામાં આવે છે.
બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ મળેલી કુલ 166 બેઠકોમાં બંધારણના ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી.
ભારતની આઝાદી બાદ 26 નવેમ્બર, 1949 ના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યારબાદ તેને 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું.
દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બંધારણમાં મહત્વનું યોગદાન આપનારા ડો. ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે.
બંધારણની વિશેષતા
આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે પ્રસ્તાવના. એમાં શાસનના પાયારૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લોકશાહી
ભારતે લોકશાહી શાસન પધ્ધતિ અપનાવી છે. લોકશાહી એટલે 'લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન'. પ્રજાની સતા કે ચલણ વાળુ, પ્રજાના વહીટવાળુ શાસન. ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે.
બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નકકી કરવામાં આવી હતી. બંધારણ અમલી બન્યાના 37 વર્ષ પછી ઈ.સ.1989મા બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો ત્યાર પછી મતાધિકાર માટેની ઉંમર 18 વર્ષ નકકી કરવામાં આવી.
બિનસાંપ્રદાયિક
ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. ઈ.સ.1976 ના 42 મા બંધારણીય સુધારાથી આમુખમાં 'બિનસાંપ્રદાયિક' શબ્દ ઉમેરવામાં આવ્યો.
પ્રજાસત્તાક
ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે.પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સતા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય છે. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશપરંપરાગત હોતું નથી પણ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે.
સંઘ રાજ્ય
ભારત એક સંઘ રાજ્ય છે એટલે કે જુદા જુદા રાજ્યનો બનેલા એક 'સંઘ' છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે એટલે આપણા બંધારણમાં સંઘીય શાસન-વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે.
સંઘીય શાસન-વ્યવસ્થામા બે પ્રકારની રચના કરવામાં આવે છે. (1) સંઘ સરકાર (2) રાજય સરકાર.
દેશના મહત્વનાં કાર્યો અને સતાઓ સંઘ સરકારને સોપવામાં આવ્યા છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
મૂળભૂત હકો અને ફરજો
દેશનું બંધારણ નાગરિકો ને લોકશાહી ના મૂળભૂત હકો અને ફરજોની પ્રતીતિ કરાવે છે. પરંતુ આપણા હકથી બીજા વ્યક્તિના હકને નુકસાન ન થાય તે માટે તેમજ રાષ્ટ્રના વિકાસમાં દરેક નાગરિક ને સહયોગી બનાવવા માટે મૂળભૂત ફરજો પણ આપવામાં આવી છે. હકો અને ફરજો એક સિકકાની બે બાજુઓ જેવા છે.
મૂળભૂત હકો
રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે મૂળભૂત હકો જરૂરી છે.
1) સમાનતાનો હક
કાયદાની દષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે ભેદભાવ કરવામાં ન આવે અને બધા નાગરિકો ને સમાન તક મળે.
2) સ્વતંત્રતાનો હક
દેશના દરેક નાગરિક ને પોતાના શ વિચારો અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. તેમજ હરવા-ફરવા, વસવાટ કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવી છે.
3) શોષણ સામે વિરોધનો હક
કોઈ પણ વ્યક્તિનું બીજા દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવાં શોષણ વિહીન સમાજની સ્થાપનો મુખ્ય ઉદેશ બંધારણનો છે. 14 વર્ષની નીચેની ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી તેનું શોષણ જ કહેવાય તેથી એ ગુનો છે.
4) ધાર્મિક સ્વતંત્રતાનો હક
દેશના દરેક નાગરિક ને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરૂદ્ધ ન હોય એવો કોઇ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે.
5) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
કોઇ પણ નાગરિક પોતાની ભાષા, બોલી, આદર્શો, મૂલ્યો વગેરે ને જાળવી રાખવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
6) બંધારણીય ઈલાજોનો હક
જો નાગરિકો ને મૂળભૂત અધિકારો થી વંચિત રાખવામાં આવે તો ન્યાયાલયને આશરો લઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર, 1948 ના રોજ માનવ-અધિકારો જાહેર કર્યા છે. તેથી 10 ડિસેમ્બર ને 'માનવ હક દિન' તરીકે ઊજવવામાં આવે છે.
મૂળભૂત ફરજો
- બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની.
- આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હ્રદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસારવાની.
- ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા નું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની.
- દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં તેમ કરવાની.
- આપણી સમન્વિત સંસ્કૃતિ ના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની.
- વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની.
- જાહેર મિલકતનુ રક્ષણ કરવાની અને હિંસા નો ત્યાગ કરવાની. માતા - પિતાએ ૬ થી ૧૪ વર્ષે સુધીની વયના પોતાના બાળકને શિક્ષણ ની તક પૂરી પાડવાની.
ભારતમાં ફરજો નો સમાવેશ ઈ. સ. 1976મા બંધારણ મા સુધારો કરીને કરવામાં આવ્યો છે.
ભારતમાં 6 જાન્યુઆરી ને 'મુળભુત ફરજ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે.
ભારતના બંધારણ ને એક પવિત્ર ગ્રંથ ગણવામાં આવે છે. બંધારણ આપણી ન્યાય - પ્રણાલી ને જાળવે છે. તેમજ લોકોને એક મર્યાદામાં રહીને એકત્વના ભાવથી કામ કરવા પ્રેરિત કરે છે.
0 ટિપ્પણીઓ