અલંકાર - ગુજરાતી વ્યાકરણ
- જેના વડે સાહિત્યકૃતિની શોભામાં વધારો થાય છે તેને અલંકાર કહેવામાં આવે છે.
- રજુઆતને સચોટ અને અસરકારક બનાવવા ભાષાની જે અભિવ્યક્તિને આપણે ઉપયોગમાં લઈએ છીએ તે અભિવ્યક્તિ એટલે અલંકાર.
અલંકારના પ્રકાર
અલંકારના મુખ્યત્વે બે પ્રકારો છે.
- શબ્દાલંકાર
- અર્થાઅલંકાર
- જેમાં ધ્વનિ કે ધ્વનિશ્રેણી નું સૌંદર્ય કે ચમત્કૃત અભિવ્યક્તિને આકર્ષક બનાવે તે શબ્દાલંકાર.
- અર્થને ઉપયોગમાં લઈ સચોટતા સધાય તે અર્થાઅલંકાર.
કોઈપણ સાહિત્યની રચનામાં આ બંને અલંકારનો ઉપયોગ તેની અભિવૃદ્ધિ કરવા માટે થાય છે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ એ ત્રણેય શબ્દાલંકાર છે. જયારે બાકીના અલંકારોનો સમાવેશ અર્થાઅલંકારમા કરવામાં આવે છે.
શબ્દાલંકાર
તે ધ્વનિ અથવા શબ્દના વિશિષ્ટ સંયોજનને કારણે કાવ્યમાં ધ્વનિ, શબ્દનો મૂળભૂત ઘટક ધ્વનિ છે. આ અલંકારના સૌદર્નયનો આધાર સૌંદર્યમાં વધારો થાય ત્યારે તેને શબ્દાલંકાર કહે છે.
1) વર્ણાનુપ્રાસ અલંકાર
- જયારે કોઈ પંક્તિમાં કે વાકયમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થયો હોય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે.
- કામિની કોકિલા કેલી કૂજન કરે.
- સાગરે ભાસતી, ભવ્ય, ભારતી.
2) પ્રાસસાંકળી (આંતરપ્રાસ)
- કોઈ પંક્તિના મધ્યમાં પ્રાસ મળે તો પ્રાસાનુપ્રાસ, પ્રાસસાંકળી અલંકાર બને છે.
- જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.
- મુંબઈથી આવ્યા મામા, સામા સૌ લેવા જાય.
3) અંત્યાનુપ્રાસ અલંકાર
- આ અલંકારમા બે પંક્તિઓના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે છે.
ઉદાહરણ
- તુ નાનો હું મોટો એ ખ્યાલ બધાનો ખોટો, ખારા જળનો દરિયો, ભરિયો મીઠાં જળનો લોટો.
અર્થાઅલંકાર
1) ઉપમા અલંકાર
- જયારે ઉપમેય (જેની સરખામણી કરવામાં આવે છે તે) અને ઉપમાન ( જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે) ની સરખામણી જેવા, જેવું, જેવી, સમાન, સરખી જેવા શબ્દો વડે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
- અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.
- ચાંદો હોય તોય વાસી રોટલા જેવો.
- ચંપકનો હાથ કઠણ લાકડાં જેવો લાગે છે.
- દમયંતીનુ મુખ ચંદ્ર જેવું શોભે છે.
2) રૂપક અલંકાર
- જયારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે.
- સંસાર સાગર મહી જળ ભરિયો.
- રામ રમકડું જડિયુ રાણાજી મને રામ રમકડું જડિયુ.
- બપોર એક મોટું શિકારી કુતરું છે.
- તોડી નાખ્યો માયા કેરો ફંદ.
- પ્રેમ પંથની પાવક જવાળા રે.
3) ઉત્પ્રેક્ષા અલંકાર
- જયારે ઉપમેય ઉપમાન હોવાની સંભાવના જાણે, રખે, શકે તેવા શબ્દો દ્વારા કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
- હૈયું જાણે હિમાલય!
- લોચન જાણે પદમ પાખંડી.
4) વ્યતિરેક અલંકાર
- જયારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
- તલવારથી તેજ તારી આંખલડીની ધાર છે.
- કમળકળી કરતાં કોમળું રે બહેની અંગ છે એનું.
5) અતિશયોક્તિ અલંકાર
- જયારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમેય ઉપમાનમા સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે.
- શીલાની બંને આંખે શ્રાવણ-ભાદરવો વહી રહ્યો છે.
- એ નાટક એટલું કરૂણ કે થિયેટર અશ્રુસાગર બની ગયું.
6) શ્લેષ અલંકાર
- જયારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતાં હોય અને તેને કારણે ચમત્કૃતિ નીપજે ત્યારે શ્લેષ અલંકાર બને છે.
- વર્ષા તમારી રાહ જુએ છે.
- જવાની તો આખરે જવાની છે. (જવાની - યૌવન, જવાની - જતી રહેવાની)
7) સજીવારોપણ અલંકાર
- જયારે કોઈ જડ બાબત પર ચેતન તત્વનુ આરોપણ કરવામાં આવે તે સજીવ છે તે રીતે અભિવ્યક્ત કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
- માણેકના કરૂણ ચિત્કારે એમનો પીછો પકડયો. (ચિત્કાર એટલે ચીસ, એ કરૂણ અવાજ લેખકે ચિત્કારનું સજીવત્વનુ આરોપણ કર્યું છે.)
8) વ્યાજસ્તુતિ અલંકાર
- જયારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણના બહાને નિંદા કરવામાં આવે છે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
- જાદવ સ્ત્રી તાલી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે. કીધા હશે વ્રત અપાર,તે સ્ત્રી પામી હશે આ ભરથાર.(અહીં સુદામાની પ્રશંસા-સ્તુતિના બહાને નિંદા કરવામાં આવી છે.)
9) અનન્વય અલંકાર
- જયારે કોઈ વાતને સચોટતાથી મુકવી હોય ત્યારે અન્ય કોઇ બાબત સાથે સરખામણી કરીને, કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સધાય છે પરંતુ કયારેક સરખામણી કરવા અન્ય કોઇ બાબત ન મળે તો મુળ બાબત એટલે કે ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાય ત્યારે અનન્વય અલંકાર બને છે.
- મા તે મા
- જોગનો ધોધ એટલે જોગનો ધોધ.
- મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો છે.
10) અન્યોક્તિ અલંકાર
- આ અલંકાર મૂળ વાતને બદલે પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે.
ઉદાહરણ
- મોરનાં ઈંડા ચીતરવા ન પડે.
- ભૂખ્યો સિંહ તરણું ન ખાય.
11) વિરોધાભાસ અલંકાર
- આ અલંકારમા વિરોધાભાસનો ઉપયોગ કરી કોઈ ગહનસત્ય કે હકીકત રજૂ કરવામાં આવે છે.
ઉદાહરણ
- છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.
- મને એજ નથી સમજાતું કે આવું શાને થાય છે? ફૂલડાં ડુબી જાય છે અને પથ્થરો તરી જાય છે.
12) દષ્ટાંત અલંકાર
- આ અલંકારમાં એક વિધાનના સમર્થનમાં એક દષ્ટાંત રજૂ કરવામાં આવે છે.
ઉદાહરણ
- નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.
13) સ્વભાવોક્તિ અલંકાર
- આ અલંકારમાં કોઈ અલંકારનો ઉપયોગ કર્યા વિના જ જે તે બાબતનું કે ક્રિયાનું વર્ણન કરવામાં આવે છે.
ઉદાહરણ
- આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંય બારતનો દમ ભરે છે.

0 ટિપ્પણીઓ