માતૃભાષાનો અર્થ
માતૃભાષાનો અર્થ મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કરી શકીએ છીએ. માતૃભાષા એટલે માતાની ભાષા અથવા માતા સમાન ભાષા.
જે ભાષામાં વિચારવાનું, લાગણી અનુભવવાનું, વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.
સમગ્ર વિશ્વમાં આશરે 6500 ભાષાઓ બોલાય છે. આમાંથી 2000 જેટલી ભાષાનો ઉપયોગ કરનારાની સંખ્યા લગભગ 1000 જેટલી વ્યક્તિ/પ્રતિભાષા - અંદાજવામાં આવી છે. આની સરખામણીમાં આપણા ભારત દેશમાં બોલાતી અલગ અલગ કુલ ભાષાઓની સંખ્યા 1652 જેટલી છે. આમાંથી 150 જેટલી ભાષા બોલનારાની સંખ્યા ઘણી છે. બાકીની ભાષા બોલનારાની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. જયારે 'ઓફિસીયલ' ભાષાની સંખ્યા 22 છે.
આટલી બધી અલગ અલગ ભાષાઓ - બોલીઓની વિવિધતાની વચ્ચે, જો કોઈ સૌથી મીઠી ભાષા હોય, તો તે દરેકની - પોતાની માતૃભાષા છે! બાળકનો જન્મ થાય, પછી 10 - 12 માસ સુધી તેના કાનમાં સતત, ઘરમાં બોલાતી ભાષાના શબ્દો અથડાય છે. આ ઉંમરે, તેનાં મા-બાપ તેમજ ઘરનાં સૌ સભ્યો, બાળકને એકાક્ષરી શબ્દો બોલાવવાનો પ્રયાસ શરૂ કરે છે. વારંવાર આવા શબ્દો,હાવભાવ સાથે સાંભળતા ને જોતાં, બાળક તેવા શબ્દો ઉચ્ચારવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ શબ્દનો ભાવાર્થ કદાચ તેને એ ઉંમરે હોતો નથી! છતાં, બાળક આનુકરણશીલ હોવાથી, સહેલાઈથી બોલાતા ને સંભાળતા શબ્દો બોલવાનું અનુકરણ કરતો થઈ જાય છે. માતૃભાષા શીખવા માટેનું આ તેનું પ્રથમ સોપાન. ત્યારપછી તો, ધીમે ધીમે સાદા શબ્દો, ટૂંકા વાકયો ને ત્યારપછી, સંપૂર્ણ પોતાની બોલી બોલતાં બાળક શીખી જાય છે.
આમ થતાં જ આજના સંદર્ભમાં જોઈએ, તો બાળક "BABY SITTING" માટે તૈયાર થઈ જાય છે. "વેપારણીકરણ" ના યુગમાં શાળા - મહાશળાનો વ્યવસાય એ ઉધોગથી કાંઈ કમ નથી. ! "ઊંચી ફી" એટલે "ઊંચુ શિક્ષણ" એવી સરળ ગણતરી રાખનારાઓની વચ્ચે, પોતાની હેસિયત કરતાં વધારાની ફી ભરીને બાળકોને ભણવાની એક સોળ થઈ પડી છે!
બીજી હોડ જે હાલનાં તબકકે શરૂ થઈ છે, જે પ્રથમ કરતાં વધારે આત્મઘાતી છે, એ હોડ, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની છે! દુર- સુદુર સુધી જે કુટુંબને અંગ્રેજી ભાષા સાથે સીધો કે આડકતરો શબ્દ નથી, તેવા વાલીઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું નકકી કરે છે અને જયાં પ્રવેશ મળે, ત્યાં જે તે શિક્ષકોની લાયકાત ને અનુભવ વિશે જાણવાની તસ્દી લીધા વગર, પોતાના બાળકનો પ્રવેશ મેળવી લે છે. આથી વધારે કરૂણાતા બીજી કઈ?
વણલખ્યો નિયમ એ છે કે, બાળકને પોતાની માતૃભાષા સંપૂર્ણપણે આવડે નહી, ત્યાં સુધી બીજી અન્ય ભાષા ના આવડે. બીજો નિયમ એ છે કે, બાળકનું પાયાનું શિક્ષણ તેની માતૃભાષામાં જ અપાવવું જોઈએ. અન્ય ભાષા, વિવિધ વિષયોની સાથે સાથે અંગ્રેજી ભાષાને શિખવાડાય એ જરૂરી છે. બાળકના સર્વાંગી વિકાસ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન એક આગવું મહત્વ ચોક્કસ ધરાવે છે, પરંતુ આનું 'અનિવાર્ય છે' - એમ કહેવામાં અતિશયોક્તિ ચોક્કસ છે.
માતૃભાષામાં આપેલું જ્ઞાન, માતૃભાષામાં અપાયેલો ઉપદેશ અને માતૃભાષામાં અપાયેલી સુચનાઓ સૌ કોઈને સરળતાથી ગળે ઊતરે છે. આની સરખામણીમાં, અંગ્રેજી ભાષામાં જો ઉપર જણાવેલી બધી ક્રિયાઓ થાય, તો તેની સમજ સંપૂર્ણપણે ગળે ઊતરશે જ એ નકકી ન કહી શકાય - કારણ કે એનો માતૃભાષાનો અનુવાદ, વ્યક્તિગત આવડત અને કૌશલ્ય પર અવલંબે છે.
કોઈ પણ ભાષા શીખવી અઘરી નથી. અક્ષર જ્ઞાન, વાંચન અને પ્રેક્ટિસથી નવી ભાષા વહેલી મોડી શીખી શકાય છે. પરંતુ જો તેમ શીખેલી ભાષાનો નિયમીત ઉપયોગ ન કરો, તો શકય છે કે, તમે એ ભાષા ધીમે ધીમે સમય આવ્યે ભૂલી જાઓ. આ સત્ય માતૃભાષા સિવાયની દરેક બીજી ભાષા ને લાગું પડે છે.
ગુજરાતના અંતરિયાળ ઈલાકાઓમા પણ આજે શિક્ષણના વ્યાપક વ્યાપના પરિણામે, શિક્ષિત યુવાનોની સંખ્યા વધતી જાય છે, સરકાર તરફથી શિક્ષણના વ્યાપને વધારવા પ્રોત્સાહન આપતી નવી નવી નીતિ ઘડાય છે. વળી, પછાત વિસ્તારોમાં, આશ્રમ શાળા ઓ શરૂ કરવામાં આવી છે. જે નિવાસી શાળા છે. વિધ્યાર્થીઓને ભણવાનું, રહેવાનું, જમવાનું - આમ દરેક પ્રકારની સુવિધા એક સ્થળે મળે અને તે પણ વિનામૂલ્યે, તેવા આશય સહ આવી શાળા શરૂ કરવામાં આવી છે.
અગત્યની વાત એ છે કે આ દરેક શાળામાં ગુજરાતી ભાષામાં શિક્ષણ અપાય છે. ગુજરાતી ભાષાનું મહત્વ ઘટે તે આપણે સૌ ગુજરાતીઓ માટે દુઃખદ આંચકા સમાન વાત છે.
અગાઉ જણાવ્યું તેમ, વાલીગણ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવી, અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મુકે છે, પરંતુ આવી શાળાઓમાં ભણતા કેટલાક વિધ્યાર્થીઓને નથી પોતાની માતૃભાષા આવડતી કે નથી અંગ્રેજી ભાષા! આ પરિસ્થિતિમાં તેમનું ભવિષ્ય ધુંધળુ થઈ જાય છે. તેની હાલત ધોબીના કુતરો ન ઘરનો ન ઘાટનો જેવી થાય છે.
0 ટિપ્પણીઓ