ચાલવું, દોડવું, ઊડવું, છલાંગ મારવી, કૂદવું, સરકવુ તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે.
સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ક્રિયાને પ્રચલન કહે છે.
આપણે શરીરનાં વિભિન્ન ભાગોને એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે કોણી, ખભો, તથા ગરદન. આ જોડાણને સાંધો કહે છે.
આપણા શરીરના ભાગોને સાંધા આગળથી વાળીને આપણે ચાલવું, નમવું, લખવું જેવી ઘણી ક્રિયાઓ કરી શકીએ છીએ. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં અનેક પ્રકારના સાંધા આવેલા હોય છે. આ ઉપરાંત આપણા શરીરમાં ઘણા બધા હાડકાં પણ આવેલાં હોય છે.
સાંધાના પ્રકાર
ખલ-દસ્તો સાંધો (કંદૂક-ખલ્લિકા સાંધો)
જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે અથવા વાટકી જેવા ખાડામાં ખૂપેલો હોય છે, જેનાથી સાંધા આગળ બધી જ દિશાઓમાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલ-દસ્તા સાંધો કહે છે. ખભા આગળના બે હાડકાંના જોડાણમાં ખલ-દસ્તા સાંધો છે.
ઊખળી સાંધો
ગરદન અને શીર્ષને જોડાણ કરતો સાંધો ઊખળી સાંધો છે. તેના દ્વારા શીર્ષને આગળ-પાછળ તથા જમણી-ડાબી બાજુ ફેરવી શકાય છે. આ સાંધા વડે ખલ-દસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી. ઊખળી સાંધાને ખીલા જેવો સાંધો પણ કહે છે.
મિજાગરા સાંધા
જેમ મિજાગરાવાળું બારણું બહાર ખૂલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરાં સાંધા આગળથી શરીરનાં ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે.
આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે. પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરાં સાંધા આવેલા છે.
અચલ સાંધા
જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયનાં હાડકાંમાં અચલ સાંધા છે.
ચલ સાંધા
જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલ-દસ્તા સાંધો, ઊખળી સાંધો, મિજાગરાં સાંધો વગેરે ચલ સાંધા છે .
શરીરનાં બધાં હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવામાં માટે એક માળખું રચે છે તેને શરીરનું કંકાલ કહે છે. કંકાલ હાડકાંઓ, સાંધાઓ અને કાસ્થિઓનું બનેલું છે.
અસ્થિઓ(હાડકાં) સખત હોય છે. તે વળી શકતાં નથી. કાસ્થિ હાડકાં જેટલાં સખત નથી. તે જરા નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. નાક અને કાનની બૂટનો ઉપરનો ભાગ કાસ્થિના બનેલા છે. આ ઉપરાંત હાડકાંના સાંધા આગળ કાસ્થિ આવેલાં છે. શરીરનાં કેટલાક અંગોમાં આવેલા હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ખ્યાલ એકસ-રે ચિત્ર દ્વારા આવે છે.
કંકાલનાં હાડકાં
- હાથમાં ઉપરનાં ભાગનાં, નીચેના ભાગના, કાંડના, પંજાના અને આંગળીઓના હાડકાં જુદી જુદી સંખ્યામાં છે. પગમાં પણ આવા હાડકાં આવેલા છે.
- પાંસળી પિંજરામાં એક છાતીનું હાડકું અને ૧૨ જોડ પાંસળીઓનો સમાવેશ થાય છે. તે હ્રદય અને ફેફસાંનું રક્ષણ કરે છે.
- કરોડસ્તંભ (મેરૂદંડ)મા મણકા જેવા નાનાં નાનાં ૩૩ હાડકાં છે. તે સ્થિતિસ્થાપક હોવાથી આપણે વાંકા વળી શકીએ છીએ. તે કરોડરજ્જુનુ રક્ષણ કરે છે.
- સ્કંધાસ્થિ એ ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને સ્કંધાસ્થિ કહે છે.
- આ નિતંબ આગળ આવેલી પેટી જેવી સંરચના છે, જેને નિતંબાસ્થિ કહે છે. તે જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે.
- ખોપરીના હાડકાં અચલ સાંધાથી જોડાયેલા છે. તેમાં ફક્ત નીચલા જડબાનું હાડકું હલનચલન કરે છે. ખોપરીના હાડકાં મગજનું રક્ષણ કરે છે.
- ગતિ માટે હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા છે. કોઇ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે.
પ્રાણીઓની ચાલ
અળસિયુ
અળસિયાનુ શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતાં નથી. પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે. જે તેના શરીરને વધવા તથા ઘટનામાં મદદ કરે છે. ચાલતા સમયે અળસિયુ તેના શરીરના પશ્ચ ભાગને ભૂમિ સાથે જકડીને રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે અને પશ્ચ ભાગને ખુલ્લો કરી દે છે.
તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્ચ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયા આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખસે છે.
તેના શરીરમાં ચિકણા પદાર્થ હોય છે, જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે. તેના શરીરમાં નાના-નાના અનેક વજ્રકેશ આવેલ હોય છે. જે સ્નાયુ સાથે જોડાયેલ હોય છે . જે માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે.
અળસિયા માટી ખાય છે. તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. અળસિયા દ્વારા કરવામાં આવેલ આ કાર્ય માટીને ફળદ્રુપ બનાવે છે. જેનાથી વનસ્પતિને ફાયદો થાય છે.
ગોકળગાય
ગોકળગાયની પીઠ પર ગોળ રચના હોય છે તેને કવચ કહે છે. તે તેનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાંનું બનેલું હોતું નથી. કવચ એક જ એકમ છે તથા તે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી. તે ગોકળગાય સાથે ખેંચાઈને જાય છે. કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના અને શીર્ષ બહાર આવે છે. આ જાડી સંરચના તેના પગ છે. તે મજબૂત સ્નાયુઓના બનેલા છે. તેની મદદથી તે ચાલે છે.
વંદો
વંદો જમીન પર ચાલે છે, દીવાલ પર ચડે છે અને હવામાં ઊડે છે. તેને ત્રણ જોડ પગ છે.જે તેને ચાલવામાં મદદ કરે છે.તેનુ શરીર બાહ્ય કંકાલ દ્રારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્રારા બનેલ હોય છે.જેના કારણે ગતિ શકય બને છે.પીઠના ભાગેથી બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે.
વંદામા વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે. જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલા છે, તે તેને ચાલવામાં સહાય કરે છે અને પૃષ્ઠ સ્નાયુઓ વંદો જયારે ઊડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે છે.
પક્ષી
પક્ષીઓ હવામાં ઊડે છે તથા ભૂમિ પર ચાલે છે. બતક તથા હંસ જેવાં પક્ષીઓ પાણીમાં તરે છે. પક્ષીઓ એટલા માટે ઊડી શકે છે કે, તેમનું શરીર ઊડવા માટે અનુકૂલત હોય છે. તેનાં હાડકાં છિદ્રિષ્ટ અને હલકાં હોય છે. પશ્ચ ઉપાંગના હાડકાં ચાલવા તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે. અગ્ર ઉપાંગનો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈ પાંખ બનાવે છે.
ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડયન સમયે સ્નાયુઓને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે, તથા પાંખોને ઉપર-નીચે કરવામાં સહાય કરે છે.
માછલી
માછલી પાણીમાં તરે છે. તેનો આકાર હોડી જેવો હોય છે. તેનું શીર્ષ તેમજ પૂંછડી તેનાં મધ્ય ભાગ કરતા પાતળી અને અણીદાર હોય છે. શરીરની આવી રચના ધારારેખીય કહેવાય છે. તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં-તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે.
માછલીના હાડકાં દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલા રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્ર ભાગ એક બાજુ વળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. તેનાથી એક ધકકો લાગે છે અને માછલી આગળની તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધકકાઓ દ્વારા માછલી આગળની તરફ વધતી જાય છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે.
માછલીના શરીર પર બીજા પણ મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સમતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે.
સાપ
સાપનો કરોડસ્તંભ લાંબો હોય છે. શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે. ભલે પછી તે દૂર આવેલા હોય. સ્નાયુઓ કરોડસ્તંભ, પાંસળીઓ અને ત્વચાને પણ એકબીજા સાથે જોડે છે.
સાપનું શરીર અનેક વલયોમા વળેલું હોય છે. આ પ્રકારે સાપનાં પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. તેનું શરીર અનેક વલય બનાવે છે પ્રત્યેક વલય આગળ ધકકો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે. પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતો.
0 ટિપ્પણીઓ