ભૂમિસ્વરૂપો તેના મુખ્ય પ્રકાર, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાનોનુ વર્ગીકરણ અને મહત્વ

પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનમાં સ્વરૂપો રચે છે અને બદલે છે. ભૂકંપના આંચકા દ્વારા તો કયાંક જવાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા કયાંક પર્વત, ઉચ્ચપ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. 

પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે.

ભૂમિસ્વરૂપના મુખ્ય પ્રકાર 

પૃથ્વીની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખાવવામાં આવે છે.

પર્વત 

સમુદ્રસપાટી થી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર, ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને 'પર્વત' કહે છે. 

પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જવાળામુખી જેવાં કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયા થી પર્વત બને છે. પર્વતોના ઉદભવ અને વિકાસમાં એક થી વધુ ક્રિયાઓ અને બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. 

પર્વતોના ઉદભવ અને વિકાસમાં એક થી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. પૃથ્વીસપાટીના આશરે ૨૬% વિસ્તારમાં પર્વતો આવેલા છે. 

પર્વતોનું વર્ગીકરણ 

નિર્માણક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેચવામાં આવે છે :

  1. ગેડ પર્વત
  2. ખંડ પર્વત
  3. જવાળામુખી પર્વત
  4. અવશિષ્ટ પર્વત

1) ગેડ પર્વત : મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમા બંને બાજુએથી દબાણ આવતાં કરચલીઓ કે ગેડ પડે છે. 

એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉતર અમેરિકામાં રોકિઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. 

2) ખંડ પર્વત : ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણબળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જર્મનીનો હોસર્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસર્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નિલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણ છે. 

3) જવાળામુખી પર્વત : જવાળામુખી ફાટતાં પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જવાળામુખી પર્વત બને છે. 

ઈટાલીનો વિસુવિયસ, ઈકવેડોરનો કોટોપકસી, જાપાનનો ફયુજિયામા અને ભારતનો બેરન, પાવાગઢ અને ગિરનાર જવાળામુખી પર્વતના ઉદાહરણો છે. 

4) અવશિષ્ટ પર્વત : ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નકકર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નિલગિરી, પારસનાથ, રાજમહલ પર્વતના ઉદાહરણો છે. 

પર્વતનું મહત્વ 

  • પર્વત દેશ કે પ્રદેશની સીમા - સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે, ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. 
  • પર્વતો નદીઓનું ઉદગમ સ્થાન છે. તેમાથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. 
  • વિશ્વની કુલ વસ્તીના દશમાં ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેકિસકો અને બગોટા. 

ઉચ્ચપ્રદેશ 

સમુદ્રસપાટી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગે ઉચ્ચપ્રદેશો રોકે છે.  

ઉચ્ચપ્રદેશનું વર્ગીકરણ 

ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે ઉચ્ચપ્રદેશ ને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. 

  1. આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ
  2. પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ
  3. ખંડીય ઉચ્ચપ્રદેશ

1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ : ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચપ્રદેશ અને મોંગોલિયનો ઉચ્ચપ્રદેશ જેના ઉદાહરણો છે. 

2) પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ : પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા, પીડમોન્ટ ભારતમાં મળવાનો ઉચ્ચપ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

3) ખંડીય ઉચ્ચપ્રદેશ : ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ તેનાં ઉદાહરણો છે. 

ઉચ્ચપ્રદેશનું મહત્વ 

  • ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. 
  • પ્રાચીન નકકર ખડકના ઉચ્ચપ્રદેશમાથી લોખંડ, સોનું જેવી કિંમતી ખનીજો મળે છે. જેમ કે ભારતનો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ. 

મેદાન 

સમુદ્રસપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વીની સપાટીના 55 ટકા ભાગ પર ફેલાયેલ છે. કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જવાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે. 

મેદાનોનું વર્ગીકરણ 

નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય :

  1. કિનારાના મેદાન (સંરચનાત્મક મેદાન) 
  2. ઘસારાના મેદાન
  3. નિક્ષેપણના મેદાન

1) કિનારાના મેદાન : આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્રકિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. 

મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ-પુર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. 

2) ઘસારણના મેદાન : પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે  પર્વતો તથા ઉચ્ચપ્રદેશો નદી, પવન અને હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નકકર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે. 

ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઈબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્રારા બનેલ મેદાનોને 'પેની પ્લેઈન' પણ કહે છે. 

3) નિક્ષેપણના મેદાન : નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવાં કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહે છે. 

જયારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને 'સરોવરના મેદાન' કહે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે. 

મેદાનનું મહત્વ 

  • માનવ વસાહતો અને વ્યાપાર- વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. 
  • મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં મેદાનો આવેલા છે.  

ઉપસાગર : સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

અખાત : જયારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કરછનો અખાત. 

ભૂશિર : ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે. જેને સમુદ્રરેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. ઉદાહરણ તરીકે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોય

ટાપુ : જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંદમાન નિકોબાર શંખોદ્રાર, પીરોટન વગેરે. 

ખીણ : પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતો ના નિર્માણ વખતે તથા નદી, હિમનદીઓના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. ઉદાહરણ તરીકે કાશ્મીર ખીણ. 

સામુદ્રધુની : બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ પાર્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે. 

સંયોગી ભૂમિ : બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ