પૃથ્વીના આવરણો અને તેનો વિસ્તાર

પૃથ્વી એકમાત્ર ગ્રહ છે, કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. 

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, પૃથ્વી તેના ઉદભવ સમયે અગનગોળા ના સ્વરૂપે હતી. આ અગનગોળા ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વો નું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ, પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા તેની સપાટી પર ખડક અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. 

પૃથ્વીના આવરણો 

પૃથ્વીના ચાર મુખ્ય આવરણો છે. 

  1. મૃદાવરણ
  2. જલાવરણ
  3. વાતાવરણ
  4. જીવાવરણ

મૃદાવરણ 

પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. 'મૃદા' શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપલા ભાગને 'મૃદાવરણ' કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને 'ખડકાવરણ' કે ઘન આવરણ તરીકે ઓળખાય છે.

વિસ્તાર અને બંધારણ 

પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિમી થી 100 કીમી જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવાં હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો  છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણ ન સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.

સામાન્ય  દર 1 કિમીની ઊંડાઈએ જતાં આશરે 30°c તાપમાનમા વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધ પવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઇ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને 'મેગ્મા' કહે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે.

આમ, દબાણ અને ગરમી જેવાં પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી.

મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉધોગ બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણ માથી ખનીજો અને ખનીજ તેલ મળે છે. પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ.

જલાવરણ 

પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. તેને 'જલાવરણ' તરીકે ઓળખવામાં આવે છે.

પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને 'મહાસાગરો' તરીકે ઓળખાય છે. જે ક્રમશઃ પેસેફિક, એટલેન્ટિક , હિંદ અને આર્કિટેક્ટ મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે.  

મહાસાગરના તળિયે પણ પૃથ્વીસપાટી જેવાં ભૂમિસ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી ૯૭% સમુદ્રમાં રહેલું ખારૂં પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊચા પર્વતો પર બરફ રૂપે છે, જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહેંચીએ છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી; પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજરૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવસૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. 

સમુદ્રના તળિયે કિંમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો હોય છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનીજો આવેલાં હોય છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. 

સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શકિત રહેલી છે. તેને નાથીને વિધુતશક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળપરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. 

વાતાવરણ 

પૃથ્વીની ચારેબાજુ વીંટળાઈ આવેલા લગભગ 800 થી 1000 કિમી ઊંચાઈ સુધીના વિવિધ વાયુનાં આવરણને 'વાતાવરણ' કહે છે.

વાતાવરણને નરી આંખે જોઇ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ વગેરે ભળેલા હોય છે.

વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓન નાઈટ્રોજન, ઓકસીજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે. જયારે પૃથ્વીની સપાટી થી ઊંચે જતાં વાયુઓનું પ્રમાણ ઘટતાં હવા પાતળી થતી જાય છે.

પૃથ્વીની સપાટી થી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે નીચલા સ્તરના તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. 

કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓકિસજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. ખૂબ ઊંચાઈ એ જતાં તો માત્ર હાઈડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે.

વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સુર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સુર્યપની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્રકિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી, ઓઝોન વાયુ સ્વાસ્થયવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે.

વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સંભળાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીસપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દુરદર્શનના પ્રસારણ શકય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવાં અવકાશી પદાર્થો સળગી ઊઠી નાશ પામે છે. આમ, વાતાવરણ પૃથ્વી માટે 'કુદરતી ઢાલ' ની ગરજ સારે છે. 

જીવાવરણ 

મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને 'જીવાવરણ' કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી
એક જ એવો ગ્રહ છે જેને 'જીવાવરણ' કહે છે.

જીવાવરણમા વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણ માથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવજાતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ, માનવજીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે.

માનવ-પ્રવૃતિઓની અસર 

જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે. પરંતુ માનવીય વિક્ષેપ જયારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોચાડે છે; ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરાતાં વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ