પેશી એટલે શું? | પેશીના પ્રકાર, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીના પ્રકાર

આ આર્ટિકલમાં આપણે પેશી એટલે શું તેમજ પેશીના પ્રકાર અને વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વિશે જાણીશું. 

પેશી 

  • શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષસમૂહ દ્વારા થાય છે. આ કોષના સમૂહને પેશી કહે છે. 
  • પેશી એ કોષોનો સમૂહ છે, જેમાં કોષોની સંરચના અને કાર્ય એકસમાન હોય છે.

વનસ્પતિ પેશીઓના પ્રકાર 

1) વર્ધનશીલ પેશી 

  • તે વનસ્પતિઓના વૃદ્ધિ પામતાં પ્રદેશમાં જોવા મળે છે. તેના કોષો વિભાજનની ક્ષમતા ધરાવતા હોય છે. 
  • તે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. તેના વિભાજનથી સર્જાતા કોષો વિભાજનક્ષમતા ગુમાવી અન્ય પેશીના નિર્માણમાં સંકળાય છે. 

વર્ધનશીલ પેશીના પ્રકાર 

  1. અગ્રસ્થ વર્ધનશીલ પેશી
  2. પાર્શ્વીય વર્ધનશીલ પેશી
  3. આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી
અગ્રસ્થ વર્ધનશીલ પેશી : તેનું સ્થાન મૂળની ટોચે અને પ્રકાંડની ટોચના ભાગે હોય છે. તે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. 

આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી : આંતરગ્રહીય સ્થાને, બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલપ્રદેશમાં. આ પેશી આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે. 

પાર્શ્વીય વર્ધનશીલ પેશી : તેનું સ્થાન દ્વિદળી વનસ્પતિ અંગોના પરિઘીય વિસ્તારમાં હોય છે. તે મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારે છે. 

2) સરળ સ્થાયી પેશી 

આ પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે. મૃદૂતક, સ્થૂલકોણક અને દ્રઢોતક સરળ સ્થાયી પેશીઓ છે. 

મૃદૂતક : પાતળી  દીવાલવાળા, જીવંત અને સરળ કોષોની બનેલી સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે આધારિત કાર્ય કરે છે. 

સ્થૂલકોણક : જીવંત, લાંબા અને પ્રાથમિક કોષદીવાલનું કોણીય રીતે સ્થૂલન ધરાવતા કોષોની બનેલી સ્થાયી પેશી છે. તે મુખ્યત્વે નમ્યતાનું કાર્ય કરે છે. 

દઢોતક : મૃત, લાંબા અને સાંકડા કોષો, કોષદિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવતી સ્થાયી પેશી છે. તે દઢતા અને મજબુતાઈનું કાર્ય કરે છે. 

3) જટિલ સ્થાયી પેશી 

આ પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એકથી વધુ પ્રકારના હોય છે. 

જલવાહક પેશી 

આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેનાં બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છે. 
  1. જલવાહિનીકી
  2. જલવાહિની
  3. જવવાહક મૃદૂતક
  4. જલવાહક / દઢોતક (તંતુઓ) 

અન્નવાહક પેશી 

આ પેશી વનસ્પતિમાં ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહન કરતી જટિલ સ્થાયી પેશી છે. તેના બંધારણમાં ચાર પ્રકારના ઘટકો હોય છે.
  1. ચાલનીનલિકા
  2. સાથીકોષો
  3. અન્નવાહક મૃદૂતક
  4. અન્નવાહક તંતુઓ

પ્રાણીપેશી 

ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં પ્રાણી-પેશીઓનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. 
  1. અધિચ્છદીય પેશી
  2. સંયોજક પેશી
  3. સ્નાયુ પેશી
  4. ચેતા પેશી

અધિચ્છદ પેશી 

તે પ્રાણી શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી છે. તે શરીર અને બાહ્ય વાતાવરણ તેમજ શરીરનાં વિવિધ અંગોની વચ્ચે દ્રવ્યોની આપ-લેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

અધિચ્છદ પેશીના પ્રકારો 

1) લાદીસમ અધિચ્છદ : તેના કોષો ચપટા, પાતળા અને લાદીની માફક ગોઠવાયેલા હોય છે. રુધિરવાહિનીઓ, ફેફસાંના વાયુકોષ્ઠનુ અસ્તર સરળ લાદીસમ અધિચ્છદ વડે જયારે ત્વચામાં અધિચ્છદીય પેશીના કોષો ઘણા બધા સ્તરોમાં હોવાથી સ્તૃત અધિચ્છદ પેશીથી બનેલા હોય છે. 

2) ઘનાકાર અધિચ્છદ : તેના કોષો લંબાઈ, પહોળાઇ અને ઊંચાઈમાં લગભગ સમાન હોવાથી ઘન આકારના હોય છે. આ અધિચ્છદ કોષો સપાટી પર પદાર્થોનો સ્ત્રાવ કરી ગ્રંથી કોષો તરીકે કાર્ય કરે છે. 

3) સ્તંભીય અધિચ્છદ : તેના કોષોની પહોળાઈ કરતાં ઊંચાઈ વધુ હોવાથી તે સ્તંભાકાર દેખાય છે.શ્વાસનળીમા સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો પક્ષ્મો ધરાવે છે. 

સંયોજક પેશી 

તે શરીરની બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કરે છે કે જોડાણ સાધે છે અને આધાર આપે છે. તેમાં કોષોની સાપેક્ષે આતંરકોષીય દ્રવ્ય વધુ હોય છે. 

સંયોજક પેશીના પ્રકાર 

1) રૂધિર : તેમાં પ્રવાહી આધારક રૂધિરરસમાં લાલ રૂધિરકોષો, શ્વેત રૂધિરકોષો અને ત્રાકકણો નિલંબિત હોય છે. 

2) અસ્થિ : શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. 

3) કાસ્થિ : તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે. 

4) અસ્થિબંધ : બે ક્રમિક અસ્થિઓને જોડતી ખૂબ જ સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે. 

5) સ્નાયુબંધ : તે સ્નાયુ પેશીને અસ્થિઓ સાથે જોડતી સીમિત સ્થિતિસ્થાપક સંયોજક પેશી છે. 

6) તંતુઘટક પેશી : તે શરીરના અંગો વચ્ચેની અને અંગોની અંદરની ખાલી જગ્યા પૂરતી આધાર પેશી છે. 

7) મેદપૂર્ણ પેશી : ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્માનિયમનનું કાર્ય કરતી પેશી છે. 

સ્નાયુ પેશી 

શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર પેશી છે. 

સ્નાયુ પેશીના પ્રકાર 

1) રેખિત સ્નાયુ પેશી : તેના કોષો લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષકેન્દ્રીય તંતુઓ સ્વરૂપે હોય છે. 

2) અરેખિત સ્નાયુ પેશી : તેના કોષો લાંબા, ત્રાકાકાર અને એકકોષકેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે. 

3) હ્રદ સ્નાયુ પેશી : તેના કોષો નળાકાર, શાખિત અને એકકોષકેન્દ્રીય તંતુ સ્વરૂપે હોય છે. રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક જયારે અરેખિત અને હ્રદ સ્નાયુ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે. 

ચેતા પેશી 

તે ચેતાકોષની બનેલી છે. તે બાહ્ય પર્યાવરણમાંથી ઉતેજના / સંવેદના ગ્રહણ કરી ઊર્મિવેગ-રૂપે પ્રતિકર દ્વારા શરીર કાર્યરત રાખે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ