ભારતીય કસબીઓની કરામત - માટીકામ, ભરતગૂંથણ, ચર્મઉદ્યોગ, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જડતરકામ, અકીકકામ

ભારતીય કસબીઓની કરામત: માટીકામ: જરીકામ: ભરતગૂંથણ: ચર્મઉદ્યોગ: ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પરંપરાગતમાં સમાયેલું છે. ભરતગૂંથણ, માટીકામ, કાષ્ઠકલા, ધાતુકલા, ચિત્રકલા, ચર્મઉદ્યોગ, મિના કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. 

ભારતીય કસબીઓની કરામત

ભારતીય કસબીઓની કરામત

માટીકામ

માનવજીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ્અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. જેમાં માટીના રમકડાં, ઘડા, હાંડલા, માટીના ચુલા, અનાજ સંગ્રહ માટીની કોઠીઓ વગેરેનો સમાવેશ થાય છે. એ સમયે ઘરોની દિવાલને પણ માટી અને છાણથી લિપીને રક્ષણ અપાતું. પાણી, દુધ, છાસ, દહીં, ઘી જેવાં પ્રવાહીને પણ માટીના વાસણમાં રાખવામાં આવતાં. રસોઈના વાસણો પણ માટીના રહેતા. 

લોથલ, મોહે-જો-દડો, હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલાં વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ માથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણો જૂના અવશેષોના આધાર મળે છે. 

ભરતગૂંથણ કલા

હડપ્પા અને મોહે-જો-દડો ના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પુતળાના વસ્ત્રો ઉપર પણ ભરતગૂંથણ કામ જોવા મળ્યું છે. ભારતમાં સ્ત્રી, પુરુષો અને બાળકોના વસ્ત્ર પર ભરતગૂંથણ કરવાની કલા પણ પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી-પુરૂષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે. એ જ રીતે કશ્મીરનું કશ્મીરી ભરતકામ પણ જાણીતું છે. 

આ ઉપરાંત ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેનાં ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી, પુતળી, ચોપાટ, પક્ષીઓ વગેરે સુંદર ડિઝાઇનો માટે જાણીતા છે. ચંદરણા, શાખ તોરણ, ચાકળા, ઓછાડ, તકીયા, પારણાં, ઓશીકા વગેરે ઉપરની ભરતગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરતગૂંથણથી રજાઈ, ધાબળા વગેરે ઉપર પણ ભરતકામ જોવા મળે છે. કચ્છના બન્ની વિસ્તારની 'જત' કોમની ભરત કલા આગવું સ્થાન ધરાવે છે. 

ચર્મઉદ્યોગ

પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા પ્રાણીના ચામડાનો વિવિધ ઉપયોગ થતો. ખેતી માટે કુવામાંથી પાણી કાઢવા માટે કોસ તથા પાણીનો મશકો પખાલોમા ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલાં, ઢોલક વગેરે જેવા સંગીત સાધનોમાં ઉપયોગ થતો. યુદ્ધમાં લડવાની ઢાલમાં પણ ચામડાનો ઉપયોગ થતો. વિવિધ પ્રકારની ભરતગૂંથણની મોજળીઓ, પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઘોડા અને ઊંટ જેવાં પ્રાણીઓની પીઠ પર મુકવામાં આવતાં સાજ, પલાણ, લગામ વગેરે ચામડાની રહેતી. 

જરીકામ

ભારતમાં જરી-ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. સોના અને ચાંદીના તારના સ્વરૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કલા દ્વારા વસ્ત્ર શણગારવામાં થતો. ભારતમાં જરીકામના હુન્નર માટે આજે પણ સુરત જાણીતું છે. પાનેતર, સાડી, ઘરચોળામા કારીગરો અદભૂત કામો કરી આપતાં. 

ધાતુકામ

ધાતુવિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણયુગ પછીના ધાતુયુગમા ધાતુવિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાતરડાં, શારડીઓ, કરવત, આરા, સોય જેવાં તાંબા અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું. આમ ઓજારો ઉપરાંત વાસણો, યંત્રો અને મૂર્તિઓ પણ બનાવવામાં આવતી. યુદ્ધો માટે અસ્ત્ર અને શસ્ત્ર પણ ધાતુ માથી બનાવવામાં આવતાં. આ ઉપરાંત સોના અને ચાંદી નો ઉપયોગ ઘરેણાં અને આભુષણ બનાવવા માટે થતો. પિત્તળ, તાંબા, કાંસાનો ઉપયોગ મૂર્તિઓ અને વાસણ બનાવવા માટે થતો હતો. 

કાષ્ઠકલા

માનવજીવનનો સંબંધ પહેલેથી જ વૃક્ષ અને વનરાજી સાથે રહ્યો છે. પ્રારંભમાં બળતણ તરીકે અને સમય જતાં ઓજારો તરીકે, ભવનો, અને મકાનોના બાંધકામમાં થતો અને ધીમે ધીમે રમકડાં, સોગઠા, થાંભલા, બારી-બારણા, ગોખ, ખુરશીઓ, જાળીઓ એ રીતે કાષ્ઠકલાનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં ઈડરના રમકડાં, સંખેડાનુ ફર્નિચર અને લાકડાંના હિંચકા જાણીતા છે. 

જડતરકામ

અલંકારો અને જડતરકામની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરે તેમાં હિરા, મોતી, માણેક જેવાં કિંમતી રત્નોને ગળાનાં હાર, બાજુબંધ, કડાં, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતાં. રાજસ્થાનનું બિકાનેર જડતરકામ માટે જાણીતું છે. 

અકીકકામ

અકીક ભારતની કેટલીક નદીઓમાથી મળી આવતો એક પથ્થર છે. તેમાં અકીક, ચકમક, અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થરએ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા - મિશ્રિત ભુરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુરમાં જુદા જુદા આકારનાં અકીક મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જળવા માટે ખંભાત મોકલવામાં આવે છે. 

હિરા-મોતી અને મીનાકારી

ભારતના કારીગરોએ બનાવેલા આભૂષણોની પહેલેથી જ વિદેશમાં ઘણી માંગ રહી છે. કોહીનૂર અને ગ્રેટ મુઘલ જેવાં વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ, શ્રીમંતો, મહાજનો વગેરે વૈવિધ્યસભર આભુષણો પહેરતાં. તેઓ આભૂષણની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના વગેરે કિંમતી રત્નોનો ઉપયોગ કરતાં. 

પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ અને બાદશાહો તેનાં સિંહાસનો, મુગટ, માળાઓ વગેરેમાં રત્નોનો ઉપયોગ કરતાં. વિશ્વમાં માત્ર ભારત દેશ જ સોના-ચાંદીના મીનાકારીમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનુ કૌશલ્ય ધરાવતાં કારીગરોની સંખ્યા ખૂબ વધારે છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ