આપણા શરીરમાં રહેલો નકામો કચરો દૂર કરવા માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ અંગ આવેલું છે. આ વિશિષ્ટ અંગ એટલે કિડની.
જે રીતે પાણીમાં રહેલો નકામો કચરો ફિલ્ટર વડે ગળાય છે, આ જ રીતે આપણાં શરીરમાં રહેલા નકામાં કચરાને ગાળવાનું કામ કિડની કરે છે.
જીવન ટકાવવા માટે કોષો જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. આ પ્રક્રિયાઓ દરમિયાન ઉપયોગી તેમજ હાનિકારક ઝેરી પદાર્થો ઉદ્દભવે છે. શરીરમાં આ ઝેરી પદાર્થોનો સંચય હાનિકારક હોવાથી સમયાંતરે તેમને દૂર કરવાની જરૂર પડે છે. આ હાનિકારક પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. આપણા શરીરમાં આ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરતું અંગ મૂત્રપિંડ (કિડની) છે.
કિડનીની રચના
- સ્ત્રી કે પુરુષ બંનેમાં સરખી એક જોડ એટલે કે બે કિડની આવેલી હોય છે.
- માનવામાં ઉત્સર્જન અંગોમાં એક જોડ મૂત્રપિંડ(કિડની), એક જોડ મુત્રવાહિની, એક મૂત્રાશય અને મૂત્રજનનમાર્ગ હોય છે.
- મૂત્રપિંડ(કિડની) લાલાશ પડતાં કથ્થાઈ રંગના વાલના દાણા આકારનાં અને કરોડસ્તંભની બંને બાજુએ કટિ વિસ્તારમાં આવેલાં છે.
- દરેક મૂત્રપિંડ(કિડની) લગભગ 10 સેમી લાંબા, 5 સેમી પહોળા અને 3 સેમી જાડા હોય છે.
- પુખ્ત માનવામાં તેનું વજન લગભગ 125-170 ગ્રામ છે.
કિડનીનું સ્થાન
- બંને કિડની એક જ સમતલ પર આવેલાં નથી.
- જમણી કિડની, ડાબી કિડની કરતાં સહેજ નીચેનાં સમતલ પર આવેલ છે, કારણ કે જમણી બાજુની ઉદરીય ગુહામાં ઉપર યકૃત આવેલું છે.
મૂત્રપિંડની રચના
મૂત્રપિંડની બહારની સપાટી બહિર્ગોળ જયારે અંદરની સપાટી અંતર્ગોળ હોય છે.
કિડનીનું કાર્ય
- તે જરૂરી ક્ષારો, ખનિજદ્રવ્યો, પાણી વગેરે જેવા જરૂરી પદાર્થોનું શોષણ કરે છે અને બાકીના નકામા કચરાને પેશાબ સ્વરૂપે બહાર કાઢે છે.
- કિડની લોહીનું શુદ્ધિકરણ કરે છે.
- તે પેશાબનું નિર્માણ કરે છે.
- શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જાળવી રાખે છેછે અને પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવાં ક્ષારનું નિયમન કરે છે.
- રુધિર દબાણ જાળવી રાખે છે.
- બિનજરૂરી નકામા કચરાને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે.
પેશાબ બનવાની પ્રક્રિયા
રુધિરનું ગાળણ રૂધિરકેશિકાગુચ્છમાં થાય છે, તેને ગાળણ કહે છે. સરેરાશ 1100 થી 1200 મિલિ/મિનિટ રૂધિરનું ગાળણ કિડની દ્વારા થાય છે.
રૂધિર તેની સાથે નકામા દ્રવ્યોને મૂત્રપિંડ ધમનીઓ દ્રારા કિડનીમાં લાવે છે. મૂત્રપિંડમાં રૂધિર કેશિકાગુચ્છમાં વહેતા રૂધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે જેની અસર હેઠળ રૂધિરકેશિકાઓમાથી ઉત્સર્ગદ્રવ્યો ગળાઈને બાઉમેનની કોથળીમાં ઠલવાય છે. ઉત્સર્ગદ્રવ્યોની આસપાસથી પાણી, એમિનો એસિડ, ખનીજ આયનો જેવાં ઉપયોગી પદાર્થો રૂધિરકેશિકાઓ દ્વારા પુનઃશોષણ પામે છે. બાકીનું પ્રવાહી નકામા ઉત્સર્ગ પદાર્થો જ ધરાવે છે, જેને પેશાબ કહે છે.
મુત્રવાહિનીમાંથી પેશાબ મૂત્રાશયમાં જાય છે અને ત્યાં તે સંગ્રહ પામે છે. જ્યારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તે સંકોચન પામે છે અને પેશાબનો શરીરની બહાર નિકાલ થાય છે.
કિડની સંબંધિત રોગો
યુરેમિયા
રુધિરમાં વધારે માત્રામાં યુરિયાની હાજરી યુરેમિયા સૂચવે છે. યુરેમિયા ખૂબ જ હાનિકારક છે અને તેના કારણે મૂત્રપિંડ નિષ્ફળ થઈ શકે છે.
હિમોડાયાલિસિસ
યુરિયા દૂર કરવા હિમોડાયાલિસિસની પ્રક્રિયા કરવી પડે છે. હિમોડાયાલાઈઝર એ યંત્ર છે, જેનો ઉપયોગ માનવના ખામીયુક્ત મૂત્રપિંડને બદલે રૂધિરના ગાળણ કરવામાં આવે છે. હિમોડાયાલાઈઝરમાં ડાયેલાઈઝિંગ પ્રવાહી હોય છે. જેના ઘટકો રૂધિરરસને મળતાં આવે છે, પરંતુ તેમાં યુરિયાનો અભાવ હોય છે. દર્દીના રૂધિરને એક ધમનીમાંથી પંપ દ્વારા સેલોકેનનલિકામાં મોકલાય છે, તેમાં હિપેરીન ભેળવી અને 0°C એ ઠંડું કરવામાં આવે છે.
સેલોકેનનલિકામાં છિદ્રોમાંથી યુરિયા, યુરિક એસિડ અને વધારાના ક્ષારો પ્રસરણ દ્વારા રૂધિરમાંથી તેની ફરતે આવેલાં દ્રાવણમાં આવે છે. આમ, રૂધિર શુદ્ધ થાય છે. હિમોડાયાલિસિસ યુરેમિયાના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.
કિડનીનું નિષ્ફળ જવું
કિડનીના થોડા ઘણા કે સંપૂર્ણ ઉત્સર્ગકાર્ય માટે અશક્તિ દર્શાવે, તો તેને કિડનીનું નિષ્ફળ થવું કહેવામાં આવે છે. કિડની નિષ્ફળ જવા માટે ઘણા કારણો હોય શકે છે. તેમાં ચેપ લાગવો, નલિકાને ઈજા થવી, બેક્ટેરિયાજન્ય વિષ તેમજ ઔષધિની પ્રતિક્રિયા વગેરેનો સમાવેશ થાય છે. રોગના નિદાન પછી ડાયાલિસિસ તરત જ શરૂ કરી દેવું જોઈએ.
કિડનીમાં પથરી
પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો કિડનીમાં પથરી બનાવે છે. જે યુરિક એસિડના અવક્ષેપ અથવા ઓકઝેલેટ હોય છે. જે મૂત્રપિંડનલિકામાં રૂકાવટ ઊભી કરે છે. અને તેના કારણે પીઠમાં સખત દુઃખાવો થાય છે. પથરી મૂત્રાશયમાં(કિડની) દાખલ થાય, તો તીવ્ર પીડા થાય છે. શસ્ત્રક્રિયા દ્વારા પથરી દૂર કરી શકાય છે.
નેફ્રાઈટિસ
સોજાની બળતરા મૂત્રપિંડનિવાપ, આંતરાલીય પેશી અને કેલિક્સમાં થાય છે. તે બેકટેરિયાના ચેપથી થાય છે. બેકટેરિયા મૂત્રપિંડમાં મૂત્રજનનમાર્ગ, મુત્રવાહિની માર્ગે દાખલ થાય છે. બળતરા કાઉન્ટરકરન્ટ ક્રિયાવિધિ પર અસર કરે છે. આ રોગને લીધે પીઠમાં બળતરા, દુ:ખાવા અને વારંવાર પેશાબ થાય છે.
0 ટિપ્પણીઓ