જીવનમાં રમત-ગમતનું મહત્વ: Importance of Games In Life: જીવનના તબક્કાઓ અનેક છે. બાળપણ, જુવાની અને પછી ઘડપણ. આ પ્રત્યેક તબક્કામાં જીવન જીવવાની ચોક્કસ એક ઘરેડ બની ગયેલી છે. બાળપણથી જુવાની સુધી અભ્યાસનો કાળ - અભ્યાસનો તબક્કો. જુવાનીથી ઘડપણ સુધીનો સમય એટલે અર્થોપાર્જનનો તબક્કો, ને સાથે જ સંસાર માંડીને સામાજિક પ્રતિભા ઉભારવાનો તબક્કો અને અંતમાં ઘડપણથી મરણ સુધીનો સમય એટલે પ્રભુ સમીપ પ્રયાણ કરતા રહેવાનો તબક્કો! આ એક સર્વ સામાન્ય ચક્ર આપણી ભારતીય સંસ્કૃતિનું એક અંગ બની રહેલ છે.
જીવનમાં રમત-ગમતનું મહત્વ
આ દરેક તબક્કાઓ દરમિયાન એક સર્વ સામાન્ય જરૂરિયાત જેની છે, તે પાસું છે. રમતગમતનું પાસું. બાળક ચાલતા શીખે તે સમયથી જ તેનાં જીવનમાં રમતગમતનો પ્રવેશ થઈ જાય છે. બાળક હોય, ત્યારે બાળકોની રમત. આવી રમત બે પ્રકારમાં વહેંચયેલી હોય છે.
- પ્રથમ પ્રકારની રમતો જે ઘરની ચાર દિવાલમાં રમી શકાય તે અને
- જેને રમવા માટે ઘરની બહાર મેદાનમાં કે ઘર આંગણાની જગ્યાઓએ રમવું પડે.
નાના બાળકને ખાવાપીવાને રમવા સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ વિશેષ પ્રકારે નથી હોતી. તેથી આ તબક્કામાં, ખાધેલું હજમ કરવા માટે રમત રમવા ખૂબ આવશ્યક છે. બાળકના શારીરિક ને બૌદ્ધિક વિકાસ માટે જરૂરી અનેક પરિબળોમાનું એક અગત્યનું પરિબળ એટલે રમતો! રમત રમતાં રમતાં બાળકના સાચા ને સારા વિકાસનો પાયો, બચપણમાં જ નંખાઈ જાય છે.
ઘરના સભ્યોએ - વિશેષત: બાળકના માતાપિતાએ દિવસનો ચોક્કસ સમય, બાળકો સાથે, તેની ગમતી પ્રવૃત્તિ કરવામાં વિતાવવો ખૂબ જ આવશ્યક છે - અને બાળકને ગમતી પ્રવૃત્તિમાંની એક એટલે રમત તો ખરી જ.
બાળક સાથે બાળક બની જઈને, તેની સાથે રમાતી અનેક રમતો એવી છે, જેનો આનંદ બાળક જે માત્રામાં મેળવે છે, તેથી વિશેષ માત્રામાં વડીલો પણ મેળવે છે! એટલે એમ જરૂરી કહી શકાય કે, બાળક માટે જરૂરી રમત રમતાં વડીલો પણ તેમાંથી લાભ મેળવે છે!
બચપણ પછી કિશોરાવસ્થા ને તરત જ જુવાની! આ તબક્કામાં દરેકે પોતપોતાની લાયકાત, શોખ, સમય ને પૈસા - આવા વિવિધ પાસાની મર્યાદા જાળવીને, પોતાની પસંદગીની રમતો રમવા માટે નિયમીત સમય ફાળવવો જોઈએ.
શાળાના વર્ગખંડમાં જેટલી એકાગ્રતાથી અલગ - અલગ વિષયના પાઠ વિદ્યાર્થી ભણતો જાય છે, એટલી જ એકાગ્રતા રમતનાં મેદાન પર રમાતી રમતો પ્રત્યે જાળવવાથી બાળકનો શારીરિક વિકાસ થાય છે - જે તેના માનસિક વિકાસ માટે તેમજ તેજસ્વી વિદ્યાભ્યાસ માટે અત્યંત જરૂરી છે.
રમત - ગમત માટે અત્યારે શાળાઓ તરફથી ઘણું પ્રોત્સાહન આપાય છે. સરકારી ફંડ ફાળા મેળવીને શાળા પોતાના વિદ્યાર્થી માટે રમત - ગમતના સાધનો વિકસાવે છે. હોશિયારીને અનુભવી રમતવીરોની દેખરેખ હેઠળ આવી રમતો માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ તે માટે બાળકોને જરૂરી માર્ગદર્શન મળી રહે, રમત તેમજ રમતવીરોની સ્પર્ધાઓનું આયોજન થાય તે યોગ્ય વિદ્યાર્થી, પોતાની પ્રતિભા મુજબની આગેકૂચ કરી શકે એવી વ્યવસ્થા થતી રહે છે.
આપણો દેશ યુવાધનથી ભરેલો છે. યુવકોમાં રહેલી પ્રતિભા આગળ લાવવાના તબક્કાવારના પ્રયાસોમાં સફળતા મળતી જાય તો દેશ - વિદેશની રમત - સ્પર્ધાઓમાં આપણાં દેશનું નામ ચમકાવી શકે.
દુનિયામાં ઓલિમ્પિકની રમતો દર ચાર વર્ષે, અલગ - અલગ દેશમાં યોજાય છે. એવી જ રીતે એશિયન ગેમ્સનું આયોજન એશિયાના અલગ - અલગ દેશોમાં થાય છે. ભાગ લેનાર સ્પર્ધકો, તેમનાં કોચ વગેરે પૂરેપૂરી તાકાત ને આવડતથી તેમાં કુશળતા દર્શાવે છે. એથ્લેટિક્સ, બોક્સિંગ, તીરંદાજી, તરણ સ્પર્ધા, લાંબો કુદકો, ઊંચો કુદકો, દડાફેંક, ભાલાફેંક અને આ પ્રકારની વ્યક્તિગત રમતો - તો હોકી, ફૂટબોલ, કબડ્ડી વગેરે જેવી સામુહિક ખેલાડીઓના ટીમવર્ક વાળી સ્પર્ધા - આ બધી અલગ - અલગ રમતોમાં થતું રહેતું પ્રદર્શન, નવા ઊભરતાં ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહે છે.
હાર - જીતને ગૌણ ગણીએ, તો પણ આ મુજબની દેશ - દુનિયાના રમતવીરોનુ એકસાથે, એક સમયે, એક સ્થળે રમવું - એમાં જ પારસ્પરિક ઐક્ય ના દર્શન થાય છે, જે વસુધૈવ કુટુમ્બકમ્ ની આપણી વર્ષો જૂની સદ્દભાવનાને જીવંત રાખે છે.
અહીં, આપણે રમતો વિશે વાત કરીએ અને ક્રિકેટની વાત ન થાય, તો આ લોકપ્રિય રમતનો અનાદર થયેલો ગણાય. ક્રિકેટની રમત આજે 'ગલી' પોળ, સોસાયટીની રમત બની ગઈ છે! આ રમતની લોકપ્રિયતા, આજે સમગ્ર દેશમાં, 'જંગલની આગ' ની જેમ ફેલાઈ ગયેલી છે! 'વન-ડે', 'વલ્ડૅ કપ' T-20, ટેસ્ટ મેચ વગેરે અલગ- અલગ સ્વરૂપે રમાતી આ રમતમાં યુવાનો એટલા અંતરંગ થઈ ગયા છે! કે ક્યારેક એવો ભાસ થાય છે કે શું ક્રિકેટ જ તેમના માટે સર્વસ્વ છે! ગમતું તેમ પરંતુ આ રમત ખેલાડીને પૂરતી કસરત બક્ષે છે. ક્રિકેટની રમતમાં બધા જ પાસા - બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ-દરેકમા ચપળતા, એકાગ્રતા અને સ્ફૂર્તિ હોવા જરૂરી છે.
દિવસની રમત શરૂ થાય ત્યારથી જ - એટલે દિવસના પ્રથમ બોલથી લઈને દિવસના અંતિમ બૉલ સુધી - મેદાન પરના પ્રત્યેક ખેલાડીએ હરપળ સતર્ક રહેવું પડે છે. પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરીને રમતમાં દરેક પાસાને જીવંત બનાવવું પડે છે!
ટેસ્ટ મેચમાં પરિણામ માટે પાંચ દિવસ રાહ જોવી પડે છે, પરંતુ "વન- ડે" અને T-20 મેચમાં તો તે જ દિવસે પરિણામ આવે છે. આ કારણથી પ્રેક્ષકગણનો ઉત્સાહ તેમજ રમત રમતા ખેલાડીઓનો ઉત્સાહ કાયમ રહે છે. વળી આજના Electrionics ના યુગમાં, દુનિયાના કોઈ પણ દેશમાં મેચ રમાતી હોય, તે છતાં, ટેલિવિઝનના માધ્યમથી Live મેચ માણી શકાય છે.
રમત ગમે તે હોય, ખેલાડી ગમે તે હોય, ગામ, શહેર, દેશ - ભલે ગમે તે હોય - એક વાત કાયમ સત્ય બની રહે છે કે 'રમતવીર' રમતાં - રમતાં આનંદ, સંતોષ અને શારીરિક સ્વસ્થતા મેળવ છે - અને અગ્રેસર રહેનાર દરેક રમતમાં રમતવીરો આર્થિક રીતે પણ લાભ મેળવે છે - એ વાત નક્કી છે.

0 ટિપ્પણીઓ