જંગલો એટલે શું? મહત્વ અને તેને બચાવવાના ઉપાયો: વૃક્ષ પર્યાવરણનું મુખ્ય ઘટક છે. વૃક્ષોથી માનવને અનેક લાભ મળે છે. એટલા માટે જંગલોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન પર ધ્યાન આપવું જોઈએ. આ આર્ટિકલમાં જંગલોનું એટલે શું? જંગલોનું મહત્વ, જંગલોનો નાશ કરવાથી થતું નુકસાન વિશે જાણીશું.
જંગલો શું છે?
જંગલો એ અગત્યનો પુન:પ્રાપ્ય નૈસર્ગિક સ્ત્રોત છે.
વિવિધ પ્રકારના સજીવ-સ્વરૂપોની વિશાળ શ્રેણી જંગલોમાં જોવા મળે છે. જંગલો જૈવ-વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે.
જંગલોનું મહત્વ
- જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઈમારતી લાકડું, ઔષધો વગેરે મળે છે.
- જંગલમાંથી મળતા વાંસ મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા તેમજ ટોપલીઓ બનાવવા થાય છે.
- જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે.
- જંગલો વરસાદ લાવવામાં, ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવા, ભૂમિનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ કરે છે.
જંગલ - સંરક્ષણ માટેના આંદોલન
1) ચીપકો આંદોલન
ચીપકો આંદોલન વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ આંદોલન ૧૯૭૦ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના 'રેની' ગામના લોકો દ્વારા શરૂ કરાયુ હતું. ચીપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી દૂર કરવાની નીતિના પરિણામે શરૂ થયું હતું.
ગામની નજીક જંગલ - વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો. તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘર્ષણ અને વિવાદ સર્જાયા હતા. એક દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટી તેની ફરતે ઊભી રહી ગઈ અને મજૂરોને વૃક્ષ કાપતાં અટકાવ્યા.
ચીપકો આંદોલન માનવ - સમુદાયો અને લોકસંચારમાં ખૂબ ઝડપથી પ્રસરી ગયું. પરિણામે ભારત સરકારને જંગલનાં સ્ત્રોતના સદ્ઉપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા પુર્નવિચારણા કરવાની ફરજ પડી.
2) જંગલ - સંરક્ષણમાં બીશ્નોઈ સમુદાયનો ફાળો
આપણાં દેશમાં વંશપરંપરાગત રીતે જંગલ - સંરક્ષણનું કામ કરતા સ્થાનિક લોકોમાં બીશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. બીશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસે છે. બીશ્નોઈ સમુદાય એ પાયાની માન્યતા પર જીવે છે કે, બધા જ સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે.
બીશ્નોઈ સમુદાય માટે જંગલો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. 1731મા રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે અમૃતાદેવીએ અન્ય 363 વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું.
ભારત સરકારે અમૃતાદેવી બીશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતાદેવી બીશ્નોઈ નેશનલ અવોર્ડની ઘોષણા કરી છે.
1972મા પશ્ચિમ બંગાળના વનવિભાગને સમજાયું કે, રાજ્યના દક્ષિણ - પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલના જંગલોની પૂન:સ્થાપનની યોજના નિષ્ફળ થઈ રહી છે. આથી વનવિભાગના અધિકારી એ. કે. બેનર્જીએ ખુબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા મિદાનપુર જીલ્લાના અરાબારીના 1272 હેક્ટર વિસ્તારના સાલ જંગલની જાળવણી માટે સ્થાનિક ગામવાસીઓનો સમાવેશ કર્યો. તેના બદલામાં ગામવાસીઓને દેખભાળની જવાબદારી માટે 25% નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો.
જંગલોના નાશથી થતી સમસ્યાઓ
- પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફારો પ્રેરે છે.
- વરસાદનું પ્રમાણ ઘટે છે.
- ભૂમિનું ધોવાણ વધે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે.
- વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે.
- વન્ય જીવોના આશ્રય દૂર થતાં આહાર જાળની કડીઓ તુટે છે. જેથી સજીવો નાશપ્રાય: અને લુપ્ત થાય છે.
- રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થાય છે.
આમ, જંગલો આપણાં મિત્રો હોવાથી તેનું જતન કરવું જોઈએ.
વારંવાર પૂછાતાં પ્રશ્નો
1) ભારતમાં સૌથી વધુ જંગલો કયાં આવેલા છે?
જવાબ - મધ્યપ્રદેશ
2) ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયાં આવેલા છે?
જવાબ - ડાંગ

0 ટિપ્પણીઓ