આ આર્ટિકલમાં આપણે માનવ આંખની રચના અને તેની ખામીઓ વિશે માહિતી મેળવીશું. આંખ એ કુદરત દ્વારા આપવામાં આવેલ અમુલ્ય અંગ છે. જેનાથી રંગબેરંગી દુનિયા જોઈ શકાય છે.
માનવ આંખની રચનામાં પારદર્શકપટલ (કોર્નિયા), આઈરિસ, કિકી, નેત્રમણિ, સિલિયરી સ્નાયુ, નેત્રપટલ, તરલરસ, કાચરસ વગેરેનો સમાવેશ થાય છે.
માનવ આંખની રચના અને તેની ખામીઓ
આંખના ડોળાનો વ્યાસ લગભગ 2.3 સે.મી. છે અને તેનો આકાર ગોળાકાર છે.
1) પારદર્શકપટલ (કોર્નિયા)
આંખની આગળનો પારદર્શક ભાગ કોર્નિયા છે. જે પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે.
2) આઈરિસ (કનીનિકા)
કોર્નિયા પાછળ આવેલ છે. તે આંખના રંગ માટે જવાબદાર છે. તે કિકીનુ કદ નાનું - મોટું કરે છે.
3) કિકી
કિકીએ આઈરિસની મધ્યમાં આવેલું છિદ્ર છે. પ્રકાશ કિકી દ્વારા આંખમાં પ્રવેશે છે. અને આંખમાં પ્રવેશતાં પ્રકાશનું નિયંત્રણ કરે છે.
4) નેત્રમણિ
આંખનો લેન્સ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે. આંખનો લેન્સ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે.
5) સિલિયરી સ્નાયુ
તે નેત્રમણિની કેન્દ્રલંબાઈ બદલે છે. તે ઢીલી અવસ્થામાં લેન્સ પાતળો અને સંકોચિત અવસ્થામાં લેન્સ જાડો કરે છે.
6) નેત્રપટલ
નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશસંવેદી કોષો ધરાવે છે. તે પ્રકાશની હાજરીથી આ પ્રકાશસંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત - સંદેશા ઉત્પન્ન કરે છે. જે તેને પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચડાય છે. જે બે પ્રકારના સંવેદી કોષો ધરાવે છે. ૧) શંકુકોષો, ૨) સળીકોષો
1) શંકુકોષો
શંકુકોષો રંગ પારખે છે.
2) સળીકોષો
તે પ્રકાશની તીવ્રતા પારખે છે.
7) તરલરસ
તે પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે આવેલ છે. તે અંદરનું દબાણ નિયંત્રિત કરે છે.
8) કાચરસ
તે લેન્સ અને નેત્રપટલ વચ્ચે આવેલું જેલી જેવું દ્રવ્ય છે.
દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ
દ્રષ્ટિની ખામીઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની છે.
- લધુદ્રષ્ટિની ખામી અથવા માયોપીઆ,
- ગુરૂદ્રષ્ટિની ખામી અથવા હાઈપરમેટ્રોપિઆ,
- પ્રેસ બાયોપિઆ.
આ ખામીઓને યોગ્ય ગોળીય લેન્સ વાપરીને સુધારી શકાય છે.
લધુદ્રષ્ટિની ખામી અથવા માયોપીઆ
માયોપીઆ ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. લધુદ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આ ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્રલંબાઈ વાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકાય છે.
ગુરૂદ્રષ્ટિની ખામી અથવા હાઈપરમેટ્રોપિઆ
હાઈપરમેટ્રોપિઆ ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. ગુરૂદ્રષ્ટિની ખામી આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની પાછળ રચાય છે. આ ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્રલંબાઈ વાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શકાય છે.
પ્રેસ બાયોપિઆ
આ ખામી મોટી ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળે છે. જેમાં ઘણી વખત ગુરૂદ્રષ્ટિની અને ઘણી વખત લધુદ્રષ્ટિની એમ બંને ખામીઓ જોવા મળે છે. આ ખામીના નિવારણ માટે બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત આંખના મોટા ભાગના રોગમાં મોતિયો, ઝામર આંખના રોગો છે. જેમાં મોતિયામા નેત્રમણિ નવી બેસાડવામાં આવે છે. જેથી આંખની આ ખામીનું નિવારણ થાય છે.
0 ટિપ્પણીઓ