શિયાળાની સવાર નિબંધ | શિયાળાની સવાર | શિયાળાની સવાર નિબંધ ગુજરાતી pdf | શિયાળાની સવાર નિબંધ pdf: આ આર્ટિકલમાં આપણે શિયાળાની સવાર નિબંધ વિશે જાણીશું. જે ધોરણ 6,7,8,9,10,11 અને 12 ના વિદ્યાર્થીને ઉપયોગી થશે.
શિયાળાની સવાર પર નિબંધ Winter Morning Essay in Gujarati
કોઈ પણ ઋતુની સવાર આહલાદક જ હોય છે, પરંતુ શિયાળાની સવાર તો અપૂર્વ આનંદદાયક હોય છે. શિયાળાની સવાર સાથે નિસર્ગની અદભુત છટાને પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ માણો:
ભૂરું છે નભ સ્વચ્છ-સ્વચ્છ દીસતી એકે નથી વાદળી.
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડાં.
શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યાસ્ત થતા ચોમેર ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. રાત્રે કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. લોકો બારી બારણા બંધ કરીને ઘરમાં ઢબુરાઈ જાય છે. રસ્તા નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતાં વાતાવરણમાં ફરીથી નવી ચેતના પ્રગટે છે.
શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમા ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાખળુ થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદભૂત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે.
રાતભર કડકડતી ઠંડીમાં ઠૂઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ઊઠે છે અને મીઠાં ગીતો ઊગતી પરોઢની સ્વાગત કરે છે.
શિયાળાની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે. ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. મહિયારીઓ મહી મળવાની કામગીરીમાં લાગી જાય છે. ઘમ્મર વલોણુ ગાજી ઊઠે છે. દૂધ લ્યો રે, દૂધનો પોકાર કરતી રબારણો ઠંડીની પરવા કર્યા વિના શેરીએ શેરીએ ઘૂમે છે. વૃદ્ધો ને મોટેરાઓ તાપણાંની આસપાસ ગોઠવાઈને અલકમલકની વાતો કરે છે. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે.
શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. જો કે કેટલાક સૂર્યવંશીઓ સવારની આવી તાજગીને માણવાને બદલે રજાઈ-કામળા ઓઢીને નિરાંતે સૂઈ રહે છે! ઘણા લોકો શિયાળાની સવારે તેલમાલિસ કરાવે છે.
વહેલી સવારે કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘુઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગે છે. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરનો દિવ્ય ઘંટનાદ શ્રધ્ધાળુ લોકોના હ્રદયમાં ભક્તિમય સંવેદનો જગાવે છે. ક્યારેક સૂસવાતો ઠંડો પવન આપણાં ગાત્રોને થીજવી દે છે. આથી લોકો ઠેરઠેર તાપણાં સળગાવી તેની આસપાસ ગોઠવાઈને ઠંડીથી રાહત મેળવે છે.
પરંતુ, મોટાં શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. વાહનવ્યવહારનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલદીઓનો ખખડાટ અને મિલોના ભૂંગળાનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે. આમ છતાં, શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે.
શાળાઓ અને કોલેજોના પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે.
શિયાળામાં જાતજાતના ફળો અને લીલાછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણાં લોકો શિયાળામાં અડદિયા પાક અને જાતજાતના વસાણાનુ સેવન કરે છે.
આમ, શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને અને સ્ફૂર્તિથી ભરી દે છે. શિયાળામાં વધુ પ્રમાણમાં ઠંડી હોવા છતાં લોકો સૌથી વધુ તંદુરસ્ત શિયાળામાં રહે છે.

0 ટિપ્પણીઓ